Gujarat News/ ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામના નાગરિકોના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર લખ્યો

હાર્દિક પટેલે ભાડાપટ્ટે આપેલ જમીનનો કાયમી નિકાલ કરવા માટે કોઇ નકકર પગલા ભરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ માગણી કરી છે

Gujarat

આ પત્રમાં હાર્દિક પટેલે લખ્યું છે કે, વિરમગામ ટીકા નં.10માં કુલ- 3280 પ્રોપર્ટી કાર્ડ આવેલા છે. જેમાં જુદા જુદા સત્તાપ્રકાર વાળા પ્રોપર્ટીકાર્ડનો સમાવેશ થાય છે.
દાખલા તરીકે, એ, સી, બી-1, બ, ડી-1, ડી, જી -1, જી-2, જી-૩નો સમાવેશ થાય છે. હાલમાં સત્તાપ્રકાર ‘એ’ એટલે કે રૂઢિગત મહેસુલ માફી (ગામતળની મિલ્કત જે તબદિલ પાત્ર છે) અને સત્તાપ્રકાર ‘સી’ એટલે કે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની 1879ની કલમ 48 હેઠળ સરકારશ્રીને મહેસુલ ભરવાને પાત્ર જમીનોમાં વારસાઇ,વેચાણ, બક્ષિસ, ફારગતી, વીલ વિગેરે થઇ શકે છે. જેનો રેકર્ડ ઓફ રાઇટ્સના આધારે નિર્ણય લેવામાં આવે છે. પરંતુ હાલમાં ટીકા નં.10 માં સત્તા પ્રકાર ‘બી-1’ માં નીચે મુજબનાં પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે.

હાલના ઉપસ્થિત થયેલ પ્રશ્નમાં સત્તાપ્રકાર ‘બી-1’માં વેચાણ, બક્ષીસ, વીલ એટલે કે તબદીલી થતી નથી. જેનુ મુખ્ય કારણ એ છે કે, ‘બી-1’સત્તાપ્રકાર 30-50 અથવા 99 વર્ષ માટે લાંબા સમયના ભાડાપટ્ટા ની જમીનો જે સરકારને ભાડુ અથવા વિશેષધારો ભરવાને પાત્ર છે. વધુમાં સરકારશ્રી એ પોતાની જમીનો કોઇ ઇસમને ભાડેપટ્ટે આપેલી હોય ભાડાપટ્ટો પુરો થાય એટલે પરત લઇ લેવાની અથવા સરકાર ધારે તો ભાડાપટ્ટો રીન્યુ કરી શકે. ભાડાપટ્ટાનો પીરીયડ ચાલુ હોય તો વારસાઇ થઇ શકે. જેનો ભાડાપટ્ટાની શરતો જોઈ કેસ ટુકેસ નિર્ણય લઇ શકાય. આમ, ‘બી-1’સત્તાપ્રકારની તમામ મિલકતોની મૂળ માલિકી સરકારની ગણાય જેથી તેમાં વેચાણ,બક્ષીસ,વીલ એટલે કે તબદીલી કરી શકાતી નથી.

અશાંતધારાનો અમલ સને-2021થી થયા પછી સત્તાપ્રકાર ‘બી-1’માં વેચાણની પરવાનગી આપવામાં આવતી નથી, જેથી સબરજીસ્ટ્રાર કક્ષાએ દસ્તાવેજની નોંધણી થતી નથી. પરંતુ તે પહેલા સબરજીસ્ટ્રાર કક્ષાએ સને-2010 થી સને:2020 સુધી આશરે 60 દસ્તાવેજોની નોંધણી થયેલ જણાય છે.

ફેરફાર નોંધો નહી પડવાને કારણે ગુડા-2022 કાયદા હેઠળની અરજીઓ પરત્વે વિરમગામ નગરપાલીકા હાલનાં સીટી સર્વે મુજબના ધારણકર્તા અને અરજદાર અલગ અલગ હોઇ જરૂરી સોગંદનામા અરજદાર રજુ કરે છે, જે મિલકતનાં ધારણકર્તા સાથે સુસંગત ન હોઇ અરજીઓનો નિકાલ કરી શકાતો નથી.

વધુમાં, ઉદાહરણ તરીકે સીટી સર્વે નંબર-26 અની કુલ 23.4116 ચો.મી. જમીન જેનો સત્તાપ્રકાર ‘બી-1’ છે. સદર મિલકતમાં ફેરફાર નોંધ 563,તા.06/05/2008ની વિગતે મે.જિલ્લા કલેક્ટર સાહેબ, અમદાવાદના તા.12/02/2008 ના રોજ નં.સીબી/સીટીએસ/ભાડાપટ્ટો/08 થી મળેલ સુચના અનુસાર ટીકા નં.10 સીટી સર્વે નંબર-26અ વાળી મિલકતનાં ભાડાપટ્ટાની મુદત પુરી થઇ ગયેલ હોવાથી આ મિલકતનો કબજો સરકાર તરફેણમાં સંભાળવાનો હોઇ હાલનાં ધારકોના નામ કમી કરી શ્રી સરકાર નામ દાખલ કરી ‘જી’સત્તાપ્રકાર કર્યાની નોંધ કરી અને સદર બાબત જિલ્લા કલેકટરશ્રી, અમદાવાદના તા.16/06/2009 ના પત્ર નં.સીબી/સીટીએસ/ભાડાપટ્ટો/09 થી સદર નોંધ રેકર્ડથી રદ કરવામાં આવેલ છે. પરંતુ સદર ભાડાપટ્ટો ચાલુ છે કે સમાપ્ત થઇ ગયેલ છે તેની પ્રોપર્ટીકાર્ડમાં નોંધ નથી, સને-1946માં ઘણા ભાડાપટ્ટા ફાળવેલ હોઇ તેના હુકમ મળી આવેલ નથી, જેથી બાંધકામ પરવાનગી બાબતે નિયમોનુસાર નિર્ણય લઇ શકાતો નથી.

ટીકા નં.10 માં બી-1 સત્તાપ્રકાર વાળા કુલ-201 સર્વે નંબરો આવેલા છે, જે પૈકી મોટા ભાગનાં સર્વે નંબરોનો ભાડા પટ્ટો સનેઃ1964-65 માં પુરો થઇ ગયેલ છે. ત્યારબાદ કોઇ કાર્યવાહી થયેલ નથી.

આમ, ભાડાપટ્ટે આપેલ જમીનનો કાયમી નિકાલ કરવા માટે કોઇ નકકર પગલા ભરવા લેવાની માંગ કરી છે. આ સાથો સાથ સરકારશ્રી દ્રારા કઇક રકમ લઇ હાલનાં કબજેદારોને મિલકતનાં માલિકી હકક મળે તેવી દિશામાં કામ કરવાની પણ હાર્દિક પટેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પત્ર લખીને માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત ‘બી-1’ સત્તાપ્રકાર સરકારશ્રીનાં ભાડાપટ્ટાની મિલકતો હોઇ તેમાં વેચાણ, બક્ષીસ તબદીલી હાલમાં થઇ શકતી ન હોવાથી આપની કક્ષાએથી સવાલવાળી મિલકતમાં હાલનાં કબજેદારોને મિલકતનો માલિકી હકક મળે તેવી દિશામાં હકારાત્મક નિર્ણય લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વિનંતી કરી છે.