પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ પર થયેલા હુમલાને લઈને મોટો દાવો કર્યો છે. EDએ કહ્યું કે અમારી ટીમ પર 800 થી 1000 લોકોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન હુમલાખોરોએ મોબાઈલ, લેપટોપ અને રોકડની લૂંટ ચલાવી હતી. EDએ કહ્યું, પશ્ચિમ બંગાળ PDS કૌભાંડ કેસમાં ઉત્તર 24 પરગણા TMCના કન્વીનર શાહજહાં શેખના 3 પરિસરમાં સર્ચ કરી રહ્યું હતું.”
સર્ચ દરમિયાન, EDની ટીમ અને CRPFના જવાનો પર 800-1000 લોકોએ તેમની હત્યા કરવાના ઇરાદે એક સંકુલમાં હુમલો કર્યો હતો, લોકો લાકડીઓ, પથ્થરો અને ઇંટો જેવા હથિયારોથી સજ્જ હતા. EDએ વધુમાં કહ્યું કે, “આ ઘટનામાં EDના ત્રણ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.” ઘાયલ ED અધિકારીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હિંસક ટોળાએ ED અધિકારીઓના મોબાઈલ ફોન, લેપટોપ, રોકડ, પાકીટ વગેરે જેવી અંગત અને સત્તાવાર વસ્તુઓ પણ લુંટી લીધી હતી. EDના કેટલાક વાહનોને પણ ખરાબ રીતે નુકસાન થયું હતું.
ટીએમસી નેતા શાહજહાંના સમર્થકો દ્વારા ED અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. રાશન વિતરણ કેસની તપાસના સંદર્ભમાં તપાસ એજન્સી ઉત્તર 24 પરગણા જિલ્લામાં શાહજહાંના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. રાજ્યપાલ સીવી આનંદ બોઝે કાયદો અને વ્યવસ્થાને લઈને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે મુખ્ય સચિવ બીપી ગોપાલિકા, ગૃહ સચિવ નંદિની ચક્રવર્તી અને પોલીસ મહાનિર્દેશક રાજીવ કુમારને બોલાવ્યા. બોસ હોસ્પિટલમાં ઘાયલ ED અધિકારીઓને પણ મળ્યા હતા.

આ પણ વાંચો:hijacked ship/અરબી સમુદ્રમાં જહાજનું અપહરણ, ભારતીય નૌકાદળે INS મોકલી કરી મદદ
