Champion India: ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2026 ના ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. આ ભવ્ય વિજય બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ચેમ્પિયન ટીમ માટે ખજાનો ખોલી દીધો છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ જાહેરાત કરી છે કે ટીમ ઇન્ડિયાને આ ઐતિહાસિક જીત બદલ 131 કરોડ રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવશે. આ અત્યાર સુધીનું સૌથી મોટું ઈનામ માનવામાં આવે છે, જે ગત 2024 ના વર્લ્ડ કપ ઈનામ કરતા પણ 6 કરોડ વધુ છે. BCCI દ્વારા જાહેર કરાયેલ ઐતિહાસિક ઈનામની વિગતો.
131 કરોડનું બમ્પર ઈનામ
ભારત (India)ફરી એકવાર T20 વર્લ્ડ ચેમ્પિયન બનતા જ BCCI એ ઈનામની રકમમાં મોટો વધારો કર્યો છે. 2024 માં જ્યારે ટીમ ઇન્ડિયા જીતી હતી ત્યારે 125 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળની ટીમને 131 કરોડ રૂપિયા મળવા જઈ રહ્યા છે. આ રકમ માત્ર ખેલાડીઓ જ નહીં, પણ સપોર્ટ સ્ટાફ, કોચ અને સિલેક્ટર્સ વચ્ચે પણ વહેંચવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 131 કરોડ રૂપિયાની આ રકમમાંથી 15 સભ્યોની મુખ્ય સ્ક્વોડને સૌથી મોટો હિસ્સો મળશે. હેડ કોચ ગૌતમ ગંભીર અને અન્ય કોચિંગ સ્ટાફને પણ તેમની પદવી મુજબ રકમ આપવામાં આવશે. આ ઉપરાંત, રિઝર્વ ખેલાડીઓ અને જે લોકો ટીમના પ્રવાસ દરમિયાન સાથે રહ્યા હતા, તેમને પણ ઈનામમાં ભાગીદાર બનાવવામાં આવશે. સામાન્ય રીતે દરેક ખેલાડીના ફાળે 5 થી 7 કરોડ રૂપિયા સુધીની રકમ આવી શકે છે.
ICC તરફથી મળેલા કરોડો રૂપિયા
માત્ર BCCI જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પણ વિજેતા ટીમ પર પૈસાનો વરસાદ કર્યો છે. T20 વર્લ્ડ કપ 2026 ના વિજેતા તરીકે ભારતને અંદાજે 27.48 કરોડ રૂપિયા (3 મિલિયન ડોલર) મળ્યા છે. જ્યારે રનર્સ-અપ રહેલી ન્યુઝીલેન્ડની ટીમને આશરે 14.65 કરોડ રૂપિયા મળ્યા છે. આ રીતે જોવામાં આવે તો ભારતની આ જીત રમતની સાથે સાથે આર્થિક રીતે પણ અત્યંત ફાયદાકારક રહી છે.
ફાઈનલ મેચમાં Indiaનું શાનદાર પ્રદર્શન
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે (India) પ્રથમ બેટિંગ કરતા 255/5 નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. સંજુ સેમસને 89 અને અભિષેક શર્માએ 52 રનની આક્રમક ઈનિંગ રમી હતી. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જસપ્રીત બુમરાહે 4/15 ની ઘાતક બોલિંગ કરીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.
આ જીત સાથે ભારત (India) T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સતત બે વાર ટાઈટલ જીતનારી અને ટ્રોફી ડિફેન્ડ કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ ઉપરાંત, ભારત (India) હવે 3 વાર (2007, 2024, 2026) T20 વર્લ્ડ કપ જીતીને વિશ્વની સૌથી સફળ ટીમ બની ગઈ છે. આ જ કારણ છે કે BCCI એ ટીમના ઉત્સાહમાં વધારો કરવા માટે આટલી મોટી રકમની જાહેરાત કરી છે.


