Food Recipe: મોરિંગા અર્થાત્ સરગવો ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સરગવાના પાન અને ફળીઓ બંનેનો ઉપયોગ કરી શકાય છે. તમે મોરિંગાના પાનનું સ્વાદિષ્ટ શાક (Moringa Leaves Shaak) બનાવીને ખાઈ શકો છો. જો એ તમને ખાવામાં કડવું લાગતું હોય તો આ ટ્રિકથી મોરિંગાના પાનની કડવાશ દૂર થઈ જશે!
આ શાક (Moringa Leaves Shaak)ને બાજરી અને મકાઈના રોટલા સાથે ખાવાથી ઓર સ્વાદિષ્ટ લાગે છે. મોરિંગાના પાનમાં ભરપૂર વિટામિન્સ અને મિનરલ્સ પ્રાપ્ત થાય છે. શિયાળામાં તો આ શાકનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણું જ ઉત્તમ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે, મોરિંગાના પાનનું શાક કઈ રીતે બનાવી શકાય? લોકો આને સરગવાનું શાક (Saragva na Paan Nu Shaak) પણ કહે છે. આ શાકને ડ્રાય અને ગ્રેવી એમ બંને પ્રકારે બનાવી શકાય છે. આ રેસિપી બનાવવી અત્યંત આસાન છે.
દેશી સુપરફૂડ્સ (Desi Superfoods)ને આહારમાં કરો સામેલ
આજની દોડધામવાળી જીંદગીમાં આપણુ ડાયેટ ધીમે-ધીમે અસંતુલિત બની રહ્યું છે. આપણા ખોરાકમાં એવા ફૂડ્સ વધવા લાગ્યા છે જે સ્વાદમાં પણ ઉત્તમ હોય અને ઝડપથી પેટ પણ ભરાઇ જાય! પણ અહિં જ લોકો ભૂલી જાય છે કે, આ ફૂડ્સ આપણી ગટ હૅલ્થ અને સમગ્રતયા સ્વાસ્થ્ય માટે કેટલા નુકસાનકારક છે! પોષણથી ભરપૂર પારંપરિક ખાદ્ય પદાર્થો મોટાભાગે આપણી થાળીમાંથી ગાયબ થઇ રહ્યાં છે. આપણે એવું જ માની લીધું છે કે હૅલ્ધી રહેવા માટે મોંઘા અથવા તો વિદેશી સુપરફૂડ્સ જરુરી છે, જ્યારે સત્ય એથી વેગળું છે. આપણા જ રસોડામાં એવા કેટલાયે આહાર છે જે શરીરને આવશ્યક પોષક તત્વો પ્રદાન કરી શકે છે. આવું જ એક દેશી સુપર ફૂડ છે મોરિંગાના પાન અને ફળીઓ…
મોરિંગા (સરગવા)ના પાન
સરગવાની ફળીઓ અને પાન (Drumstick Leaves) ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે જે મહિલાઓનું સ્વાસ્થ્ય સુધારવામાં અત્યંત અસરકારક સિદ્ધ થાય છે. એમાં સંતરાથી 7 ગણું વધારે વિટામિન-C અને દૂધથી 17 ગણું કેલ્શિયમ હોય છે. આનાથી સામે ઝઝૂમી રહેલી મહિલાઓ માટે એ વરદાન સમાન છે. પીરિયડ નિયમિત કરવા માટે, ગર્ભધારણમાં મદદ મેળવવા અને PCOS ના લક્ષણોને કંટ્રોલ કરવામાં આ પાન અસરદાર સાબિત થાય છે. આ માટે એમને સૂકવીને એનો પાવડર બનાવીને રાખવો. દરરોજ 1 ચમચી પાણી અથવા તો દહીંમાં મિક્સ કરીને એનું સેવન કરવું. શરીરમાં પોષક તત્વોની આપૂર્તિ થશે અને બોડી હૅલ્ધી બનશે.
શી રીતે બનાવશો મોરિંગાના પાનનું શાક? (Moringa Leaves Shaak)
મોરિંગાના પાનનું શાક (Moringa Leaves Shaak) બનાવવા માટે તમને આટલી સામગ્રીની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 બાઉલ મોરિંગાના પાન
સ્વાદાનુસાર મીઠું
અડધી ચમચી બેકિંગ સોડા
3-4 ચમચી સરસવનું તેલ
અડધી ચમચી જીરું
ચપટી હિંગ
2 લાલ સૂકા મરચાં
5-7 લસણની સમારેલી કળીઓ
સ્વાદાનુસાર મરચું
અડધી ચમચી કાળા મરીનો ભૂકો
લીંબુનો રસ
સર્વિંગ માટે
બાજરીના અથવા મકાઈના રોટલા

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ સરગવાના પાન લઇને 2 વાર પાણીથી સારી રીતે ધોઈ લો.
2. એક પૅનમાં પાણી ગરમ કરો અને એમાં આ પાન ઉમેરી દો. મોરિંગાના પાન જલદી ગળતા નથી આથી એમાં થોડું મીઠું અને ખાવાનો સોડા ઉમેરી દેવા.
3. જ્યારે પાન સરસ રીતે ગળી જાય ત્યારે ગૅસ બંધ કરીને આ ઉકાળેલા પાનને પાણીમાંથી ગાળી લો.
4. હવે શાક બનાવવા માટે એક કડાઈમાં સરસવનું તેલ ગરમ કરો અને એમાં જીરું અને હિંગનો વઘાર કરો.
5. જીરું તતડે એટલે એમાં 2 સૂકા લાલ મરચાં ઉમેરી સમારેલું લસણ નાખો અને થોડી વાર પકાવી લો.
6. એમાં મોરિંગાના બાફેલા પાન ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. એને સતત ચલાવતા રહેવાનું છે. સરસવના શાકની જેમ મૅશ કરતા રહેવાનું છે.
7. હવે સ્વાદાનુસાર મીઠું અને મનપસંદ મસાલા જેવા કે મરચું, કાળા મરીનો ભૂકો વગેરે ઉમેરો.
8. જ્યારે સરગવાના પાનનું બધું પાણી બળી જાય ત્યારે ગૅસ બંધ કરી દો.
9.જો તમારે થોડું ગ્રેવી વાળું શાક ખાવું હોય તો સરગવાના પાન ઉકાળતા વધેલું પાણી થોડી માત્રામાં ઉમેરી દેવું.
તો તૈયાર છે તમારું મોરિંગાના પાનનું શાક…આ સિમ્પલ રીતે બનાવાતું આ શાક બાજરી અને મકાઈના રોટલા સાથે ખાવાથી અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. એમાંથી શરીરને ભરપૂર પોષક તત્વો પ્રાપ્ત થાય છે. એમાં ખટાશ માટે તમે થોડું લીંબુ પણ ઉમેરી શકો છો.
આ પણ વાંચો: ઝટપટ પૌષ્ટિક નાસ્તો બનાવવાનો એક બહેતરીન વિકલ્પ…મોરિંગા પોડી ઈડલી…સરળ રેસિપી..!
આ પણ વાંચો: મોરિંગાના પાનને સમારીને બનાવો પરોઠા…પાલખ-બથુઆથી અનેકગણા હૅલ્ધી…સરળ રેસિપી…
આ પણ વાંચો: મોરિંગાથી માંડીને હળદર સુધી…4 શક્તિશાળી ફૂડ્સ…મહિલાઓના PCOS અને સાંધાના દુખાવાને જળમૂળથી મટાડશે..!
