Movies Based on Natural Disasters: નેપાળમાં આવેલી વિનાશક પૂર જેવી કુદરતી આફતો ફરી એકવાર યાદ અપાવે છે કે કુદરત સામે માનવીની શક્તિ કેટલી મર્યાદિત છે. પૂર, ભૂકંપ, સુનામી અને જંગલની આગ જેવી ઘટનાઓને કેન્દ્રમાં રાખીને અનેક ફિલ્મો બની છે. આ ફિલ્મોમાં માત્ર વિનાશ જ નહીં, પરંતુ મુશ્કેલી વચ્ચે માનવીની હિંમત, પ્રેમ અને જીવન બચાવવાની લડત પણ જોવા મળે છે.
કેદારનાથ
2018માં આવેલી ‘કેદારનાથ’ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મની પૃષ્ઠભૂમિ 2013ની ઉત્તરાખંડની વિનાશક આપત્તિ સાથે જોડાયેલી છે. પ્રેમકથાની સાથે ભારે પૂર અને કુદરતી વિનાશ ફિલ્મની વાર્તાને નિર્ણાયક વળાંક આપે છે.

‘તુમ મિલે’ અને ‘કાઈ પો છે!
2009ની ‘તુમ મિલે’ મુંબઈમાં આવેલી ભારે પૂરની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. શહેરમાં પાણી ભરાઈ જતાં એક કપલ મુશ્કેલીમાં ફસાઈ જાય છે. બહારનું પૂર અને બંનેના સંબંધોમાં ચાલી રહેલી ઉથલપાથલ ફિલ્મને ભાવનાત્મક બનાવે છે.
કાઈ પો છે!’ માં મિત્રતા અને સપનાઓની સાથે 2001ના ગુજરાત ભૂકંપની અસર પણ જોવા મળે છે. કુદરતી આફત ત્રણ મિત્રોના જીવનમાં મોટો ફેરફાર લાવે છે અને તેમના સંબંધોની કસોટી થાય છે.

‘ધ ઈમ્પોસિબલ’ અને ‘ધ પરફેક્ટ સ્ટોર્મ’
2012ની ‘ધ ઈમ્પોસિબલ’ 2004ની હિંદ મહાસાગરની સુનામીથી પ્રેરિત છે. રજાઓ માણવા ગયેલું એક પરિવાર અચાનક વિનાશક લહેરોમાં ફસાઈ જાય છે. પરિવારથી અલગ પડ્યા બાદ એકબીજાને શોધવાની તેમની જંગ ફિલ્મનું મુખ્ય કેન્દ્ર છે.
2000ની ‘ધ પરફેક્ટ સ્ટોર્મ’ સમુદ્રમાં ફસાયેલા માછીમારોની જોખમી સફર દર્શાવે છે. ભયાનક હવામાન અને વિશાળ સમુદ્રી તોફાન સામે ક્રૂ જીવન બચાવવા માટે સંઘર્ષ કરે છે.

‘ટાઇટેનિક’ અને ‘ઓનલી ધ બ્રેવ’
‘ટાઇટેનિક’ પ્રેમકથા માટે જાણીતી છે, પરંતુ તેની પાછળ 1912ની ઐતિહાસિક દરિયાઈ દુર્ઘટના છે. હિમખંડ સાથે અથડાયા બાદ જહાજ ડૂબવાની ઘટના ફિલ્મમાં(Movies) પ્રેમ, ભય અને માનવીય સંઘર્ષ સાથે રજૂ કરવામાં આવી છે.
2017ની ‘ઓનલી ધ બ્રેવ’ જંગલની આગ સામે લડતા ફાયરફાઇટર્સની હિંમતની વાત કરે છે. સત્ય ઘટના પરથી પ્રેરિત આ ફિલ્મમાં(Movies) લોકોને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનારા બહાદુર જવાનોની કહાની છે.
કુદરત સામે માનવીની લડત
આ તમામ ફિલ્મોની(Movies) કહાની અલગ છે, પરંતુ સંદેશ એક જ છે—કુદરત જ્યારે પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવે છે ત્યારે માનવીની સાચી કસોટી શરૂ થાય છે. આવી પરિસ્થિતિમાં પ્રેમ, પરિવાર, મિત્રતા અને હિંમતનું સાચું મહત્વ સમજાય છે.
