Patan News/ પાટણમાં ગટરનું પાણી કેનાલ-તળાવ સુધી પહોંચ્યું! GPCBએ નગરપાલિકાને આપી કડક ચેતવણી

GPCB Action: પાટણના 25 MLD STPના GPCBના અચાનક નિરીક્ષણમાં પ્લાન્ટ બંધ અને ગટરના અશુદ્ધ પાણીના બાયપાસનો ખુલાસો થયો. નગરપાલિકાને રૂ.10 લાખની બેંક ગેરંટી અને કડક નિર્દેશ અપાયા.

Gujarat Top Stories Surat
GPCB Action: પાટણ નગરપાલિકાને GPCBનો રૂ.10 લાખનો દંડ! STP બંધ

Patan News: પાટણ નગરપાલિકા સંચાલિત સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)માં ગંભીર બેદરકારી સામે આવી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અચાનક (GPCB Action) નિરીક્ષણમાં 25 MLD ક્ષમતાનો STP બંધ હાલતમાં મળી આવ્યો હતો. ગટરના અશુદ્ધ પાણીને ટ્રીટ કર્યા વિના બાયપાસ કરી જળાશયોમાં છોડવામાં આવતું હોવાનું સામે આવતા GPCBએ નગરપાલિકા સામે કડક કાર્યવાહી કરી છે. નગરપાલિકાને રૂ.10 લાખની બેંક ગેરંટી જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે અને નિયમોનું પાલન નહીં થાય તો વોટર એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી અપાઈ છે.

5 ઓગસ્ટે GPCBનું ઓચિંતું નિરીક્ષણ

GPCBના અધિકારીઓએ 5 ઓગસ્ટ 2026ના રોજ પાટણ તાલુકાના સંદેશર પાટી ખાતે આવેલા 25 MLD ક્ષમતાના STPનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ હાલતમાં જોવા મળ્યો હતો. આ પ્લાન્ટને 13 ફેબ્રુઆરી 2023ના રોજ CCAની મંજૂરી આપવામાં આવી હતી, જે 30 સપ્ટેમ્બર 2027 સુધી માન્ય છે.

GPCB Action: ગટરના પાણીને ટ્રીટ કર્યા વિના બાયપાસ

તપાસ દરમિયાન રો-વોટરને ટ્રીટ કર્યા વિના સમ્પ મારફતે સીધું ઓક્સિડેશન પોન્ડમાં બાયપાસ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. પ્લાન્ટમાં પાણીના પ્રવાહની નોંધ રાખતું ફ્લો મીટર પણ બંધ હતું. એરેટર્સ, પંપ અને એજિટેટર્સ સહિતના મહત્વના સાધનો પણ કાર્યરત ન હોવાનું તપાસમાં જણાયું હતું.

STPમાં પાણીના વિસંક્રમણ માટે જરૂરી ક્લોરિનેશનની પ્રક્રિયા પણ બંધ હાલતમાં હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી ક્લોરિન ગેસ ટેન્ક પણ ગાયબ હોવાનું નોંધાયું હતું. આ સ્થિતિને કારણે ગટરના પાણીની યોગ્ય રીતે પ્રક્રિયા થતી ન હોવાના ગંભીર સવાલો ઊભા થયા છે.

ખુલ્લામાં વહી રહ્યું હતું ગટરનું પાણી

GPCBના તપાસ અહેવાલ મુજબ પાટણ શહેરના માતરવાડી, આશાપુર, રોટલિયા, રેલવે અને રામનગર સહિતના વિસ્તારોનું ગટરનું પાણી STP સુધી પાઇપલાઇન મારફતે પહોંચવાને બદલે ખુલ્લામાં વહી રહ્યું હતું. આ અશુદ્ધ પાણી સિંચાઈની કેનાલ અને વત્રાસર તળાવમાં પહોંચતું હોવાનું પણ સામે આવ્યું છે. અશુદ્ધ ગટરનું પાણી જળાશયો અને આસપાસના વિસ્તારમાં પહોંચવાના કારણે ખેતીની જમીન તથા ભૂગર્ભ જળ પર પ્રદૂષણની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમગ્ર મામલે GPCBએ નગરપાલિકાની કામગીરી (Patan Water Pollution) સામે ગંભીર વાંધો ઉઠાવ્યો છે.

અગાઉ પણ નોટિસ છતાં કાર્યવાહી નહીં

આ પ્રકારની બેદરકારી મામલે પાટણ નગરપાલિકાને (Patan Municipality) અગાઉ પણ GPCB દ્વારા નોટિસ આપવામાં આવી હતી. 2 ડિસેમ્બર 2024 અને 7 ફેબ્રુઆરી 2025ના રોજ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ તપાસ અહેવાલ મુજબ નગરપાલિકા તરફથી તેનો જવાબ આપવામાં આવ્યો નહોતો.

STP 24 કલાક ચલાવવાનો આદેશ

GPCB પાલનપુર યુનિટ હેડ એસ.બી. પરમાર દ્વારા વોટર એક્ટ-1974ની કલમ 33-A હેઠળ પાટણ નગરપાલિકાને વિવિધ કડક નિર્દેશો આપવામાં આવ્યા છે. તમામ વિસ્તારોનું ગટરનું પાણી પાઇપલાઇન મારફતે Patan STP સુધી પહોંચાડવું અને પ્લાન્ટનું 24 કલાક સતત સંચાલન સુનિશ્ચિત કરવા જણાવાયું છે.

રૂ.10 લાખની બેંક ગેરંટી જમા કરાવવી પડશે

નગરપાલિકાને શુદ્ધ થયેલા પાણીનો પુનઃઉપયોગ કરવા, ઓનલાઈન કન્ટિન્યુઅસ એફ્લુઅન્ટ મોનિટરિંગ સિસ્ટમ ફરી શરૂ કરવા, તાલીમબદ્ધ સ્ટાફની નિમણૂક કરવા તેમજ ઇનલેટ અને આઉટલેટ પર ફ્લો મેઝરમેન્ટ ચાલુ રાખીને લોગબુક જાળવવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત રૂ.10 લાખની બેંક ગેરંટી તાત્કાલિક જમા કરાવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.

GPCBએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આપવામાં આવેલા નિર્દેશોનું પાલન નહીં કરવામાં આવે તો વોટર એક્ટની કલમ 41-A મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ આદેશની નકલો શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ, નગરપાલિકા નિયામક સહિત ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓને પણ મોકલવામાં આવી છે.


આ પણ વાંચો: આજીડેમ કાંઠે મળેલી વૃદ્ધાની લાશનું રહસ્ય ઉકેલાયું: CCTVથી આરોપી સુધી પહોંચી પોલીસ

આ પણ વાંચો: સાગબારા-ઉમરપાડા જમીન વિવાદ: 19 દિવસથી આદિવાસી ખેડૂતોનું આંદોલન

આ પણ વાંચો: સુરતના પૂણાગામમાં ચાર બહેનો ગુમ થતા પરિવાર દોડતો થયો પોલીસ મથકે, CCTVમાં મળ્યો મોટો ખુલાસો