Surat Missing Girls News: સુરતના પૂણાગામ વિસ્તારમાં એક જ પરિવાર અને સંબંધીઓની ચાર બહેનો એકસાથે ગુમ થઈ જતાં પરિવારમાં ચિંતા અને ફફડાટ ફેલાયો હતો. ગુમ થયેલી ચાર યુવતીઓમાં ત્રણ સગીરાઓનો સમાવેશ થાય છે. પરિવારની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરતાં સમગ્ર મામલે મહત્વનો વળાંક આવ્યો છે. ચારેય બહેનો કાપોદ્રા ચોપાટી પાસે CCTV કેમેરામાં સાથે ફરતી જોવા મળી છે.
મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાના અને હાલ પૂણાગામમાં રહેતા 42 વર્ષીય રિક્ષાચાલકની પત્ની તથા તેમની 17 અને 15 વર્ષની બે દીકરીઓ પૂણાગામ તળાવ નજીક આવેલા ઔદ્યોગિક એકમમાં ધાગા કટિંગનું કામ કરે છે. મંગળવારે માતા કામ પૂર્ણ કરીને ઘરે પરત ફરી હતી, પરંતુ બંને દીકરીઓ મોડી સાંજ સુધી ઘરે ન આવતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી.
કારખાનાના માલિક પાસેથી જાણવા મળ્યું કે બંને સગીરાઓ ભાઈ હોસ્પિટલમાં દાખલ હોવાનું કહીને રૂ. 1,000 ઉપાડ પેટે લઈ કારખાનામાંથી નીકળી ગઈ હતી. ત્યારબાદ તેઓ ઘરે પરત ફરી ન હતી.
પરિવારજનો તપાસ કરી રહ્યા હતા ત્યારે નજીકમાં રહેતા તેમના સંબંધીઓની 23 અને 16 વર્ષની બે દીકરીઓ પણ નોકરી પરથી ઘરે પરત ન આવી હોવાનું સામે આવ્યું હતું. આમ, ચારેય બહેનો એકસાથે ગુમ થઈ હોવાની જાણ થતાં પરિવારે તાત્કાલિક પૂણા પોલીસનો સંપર્ક કર્યો હતો.
ગુમ થયેલી ચાર પૈકી ત્રણ સગીરા હોવાથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે સોશિયલ મીડિયા, સ્થાનિક CCTV અને સર્વેલન્સના આધારે ચારેયની શોધખોળ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન કાપોદ્રા ચોપાટી વિસ્તારના CCTV ફૂટેજમાં ચારેય બહેનો એકસાથે ફરતી જોવા મળી હતી. પ્રાથમિક રીતે તેઓ કોઈના દબાણ વિના પોતાની મરજીથી ત્યાં ફરતી હોવાનું જણાઈ આવ્યું છે.
હાલ પૂણા પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે ચારેય બહેનોએ પરિવારને ખોટું કારણ જણાવી રૂ. 1,000 કેમ લીધા અને તેઓ એકસાથે ક્યાં જવા માંગતી હતી. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: સુરતમાં 19 વર્ષીય યુવતીનું મોત: હોસ્પિટલમાં મૂકી 45 વર્ષીય સાથી ફરાર, CCTVમાં ઘટના કેદ
આ પણ વાંચો: સુરતના કડોદરામાં ભાજપ આગેવાનની પુત્રવધૂની આત્મહત્યા, સુસાઇડ નોટ મળી
આ પણ વાંચો: સુરતમાં રોટલીમાંથી ઈયળ મળતાં હોબાળો! તપાસ બાદ પેપીલોન હોટલ સામે મોટી કાર્યવાહી
