Surat News: સુરતની સ્મીમેર હોસ્પિટલ (SMIMER Hospital)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનથી સુરત આવેલી 19 વર્ષીય યુવતીની તબિયત લથડતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, પરંતુ યુવતીને દાખલ કર્યા બાદ તેની સાથે રહેલો 45 વર્ષીય દિલીપ નામનો વ્યક્તિ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલી યુવતીનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. યુવતીને હોસ્પિટલમાં મૂકીને વ્યક્તિ ફરાર થવાની સમગ્ર ઘટના હોસ્પિટલ (SMIMER Hospital)ના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જણાવાયું છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે યુવતીને ચાર દિવસ પહેલાં રાજસ્થાનથી ફોસલાવીને સુરત લાવવામાં આવી હતી. યુવતીના મોત બાદ આ મામલે રાજસ્થાન પોલીસ પણ તપાસ માટે સુરત પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
ચાર દિવસ પહેલાં ઘરેથી નીકળ્યા હતા, પહેલા અમદાવાદ અને બાદમાં સુરત આવ્યા
મળતી માહિતી મુજબ, રાજસ્થાનના ગુડામાલાણી ગામમાં શાકભાજીનો વ્યવસાય કરતા પરિવારની 19 વર્ષીય યુવતી ચાર દિવસ પહેલાં ઘરેથી નીકળી હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે 45 વર્ષીય દિલીપ નામનો વ્યક્તિ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને પોતાની સાથે લઈ ગયો હતો. પરિવારના જણાવ્યા પ્રમાણે, યુવતીને પહેલા અમદાવાદ અને ત્યારબાદ સુરત લાવવામાં આવી હતી. સુરતમાં દિલીપ પોતાના એક મિત્રના ઘરે રોકાયો હતો. દરમિયાન યુવતીની તબિયત અચાનક બગડતાં તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
SMIMER Hospitalમાં દાખલ કરી પરિવારને ફોટો મોકલ્યો
પરિવારજનોએ જણાવ્યા મુજબ, યુવતીને સ્મીમેર હોસ્પિટલ (SMIMER Hospital)માં દાખલ કર્યા બાદ દિલીપે તેના પરિવારના સભ્યોને WhatsApp મારફતે હોસ્પિટલના ફોટોગ્રાફ મોકલ્યા હતા. તેણે પરિવારને યુવતીની તબિયત ખરાબ હોવાનું જણાવ્યું હતું. ફોટો અને મેસેજ મળતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. પરંતુ પરિવારને મેસેજ મોકલ્યાની ગણતરીની બે મિનિટમાં જ દિલીપે મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધો અને હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
હોસ્પિટલના CCTVમાં ફરાર થવાની ઘટના કેદ
યુવતીને હોસ્પિટલ (SMIMER Hospital)માં દાખલ કર્યા બાદ તેની સાથેનો વ્યક્તિ ત્યાંથી નીકળી ગયો હોવાની ઘટના હોસ્પિટલના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. પરિવારને જ્યારે યુવતીની ગંભીર સ્થિતિની જાણ થઈ ત્યારે સુરતમાં રહેતા તેમના સમાજના અગ્રણીઓને હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. જોકે, યુવતીની સ્થિતિ ગંભીર હોવાથી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પરિવારનો ગંભીર આક્ષેપ: યુવતીને ગેરમાર્ગે દોરી સુરત લાવવામાં આવી
મૃતક યુવતીના સંબંધી દીયારામ કુમાવતે આક્ષેપ કર્યો છે કે દિલીપે યુવતીને ફોસલાવીને રાજસ્થાનથી સુરત લાવી હતી. પરિવારના જણાવ્યા મુજબ, યુવતીના સંબંધમાં પરિવારને ગેરમાર્ગે દોરવા માટે દિલીપે અકસ્માત અને ડિલિવરી કેસ જેવા બહાના આપ્યા હતા. પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે દિલીપના અગાઉ પણ અનેક મહિલાઓ સાથે સંબંધો રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ તમામ આક્ષેપોની પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
યુવતીના મોતના સમાચાર મળતાં પરિવાર સુરત દોડી આવ્યો
યુવતીના મોતના સમાચાર મળતાં રાજસ્થાનમાં રહેતા તેના પરિવારજનો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. પરિવારજનોએ યુવતીને સુરત લાવનાર દિલીપ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમગ્ર મામલે આરોપીની શોધખોળ કરી તેને કાયદેસરની કાર્યવાહી હેઠળ લાવવાની માંગણી પણ કરવામાં આવી છે.
રાજસ્થાન પોલીસ સુરત પહોંચી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજસ્થાન પોલીસની ટીમ સુરત પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા યુવતીના સુરત આવવાના સંજોગો, દિલીપ સાથેનો સંપર્ક, હોસ્પિટલ સુધી પહોંચવાની સમગ્ર ઘટનાક્રમ તેમજ યુવતીના મોતના કારણ સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ હોસ્પિટલના CCTV ફૂટેજ અને મોબાઇલ સંદેશાવ્યવહાર સહિતના પુરાવા પણ તપાસનો મહત્વનો ભાગ બની શકે છે.
આ પણ વાંચો:સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં, સરપ્રાઈઝ ચેકિંગથી તબીબની પોલ ખુલી પડી, દારૂ પીધેલ હાલતમાં ઝડપાયો તબીબ
આ પણ વાંચો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો
