Gujarat News : ગુજરાત પોલીસ (Gujarat Police)ના ઇન્ચાર્જ DGP KLN Raoએ રાજ્યભરના પોલીસ અધિકારીઓને મહત્વપૂર્ણ અને કડક સૂચના આપી છે. આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવા, રિકન્સ્ટ્રક્શનના નામે અપમાનજનક વર્તન કરવું અને જાહેરમાં મારપીટ કરવાના બનાવો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે.
DGPએ તમામ યુનિટને કાયદાનું કડક પાલન કરવા સૂચના આપી છે

DGP KLN Raoએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કાયદો પોતાના હાથમાં લેવાની કોઈપણ હરકત સ્વીકાર્ય નહીં બને. છેલ્લા કેટલાક સમયથી આરોપીઓને જાહેર રસ્તાઓ પર ફેરવવા, મીડિયા સામે રજૂ કરીને અપમાનિત કરવા અને મારપીટના બનાવોને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ વડાએ તમામ યુનિટને કાયદાનું કડક પાલન કરવા સૂચના આપી છે.
તેમણે જણાવ્યું કે “આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવી પોલીસની ફરજ છે, પરંતુ માનવ અધિકાર અને કાનૂની મર્યાદાનો ભંગ કરીને કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક સહન કરવામાં નહીં આવે.”
DGPએ ખાસ કરીને “રિકન્સ્ટ્રક્શન”ના નામે આરોપીઓના વરઘોડા કાઢવાના બનાવો પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે જો કોઈ પોલીસ કર્મચારી કે અધિકારી ગેરવર્તણૂકમાં સંડોવાયેલો જોવા મળશે તો તેના સામે વિભાગીય કાર્યવાહી થશે.
આ સાથે જ જિલ્લા પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમના વિસ્તારમાં આવી ઘટના બનશે તો સંબંધિત ઉચ્ચ અધિકારીઓએ પણ જવાબ આપવો પડશે.
રાજ્ય પોલીસ તંત્રમાં કાયદાકીય શિસ્ત અને માનવ અધિકારનું પાલન વધુ મજબૂત બને તે માટે DGPનો આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
