Rajkot News/ આજીડેમ કાંઠે મળેલી વૃદ્ધાની લાશનું રહસ્ય ઉકેલાયું: CCTVથી આરોપી સુધી પહોંચી પોલીસ

Ajidam Old Woman Murder Case: રાજકોટના આજીડેમ કાંઠે મળેલી 77 વર્ષીય વૃદ્ધાની શંકાસ્પદ લાશના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. CCTV તપાસ બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો.

Gujarat Top Stories Rajkot
Ajidam Old Woman Murder Case: રીઢા આરોપીની ધરપકડ

Rajkot News: રાજકોટના આજીડેમ કાંઠેથી 21 ઓગસ્ટે મળી આવેલી 77 વર્ષીય વૃદ્ધાની શંકાસ્પદ લાશના કેસમાં પોલીસે ગણતરીના (Ajidam Old Woman Murder Case) દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, રીઢા ગુનેગાર રમેશ બચુભાઈ વૈધુકિયાએ વૃદ્ધાનું અપહરણ કર્યા બાદ તેમની સાથે ગંભીર ગુનો આચરી હત્યા કરી હતી અને ત્યારબાદ લાશને આજીડેમના કાંઠે ફેંકી દીધી હતી. પોલીસે 26 ઓગસ્ટની મોડીરાત્રે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે.

રોજની જેમ દાદીને મંદિરે મૂકીને ગયો હતો

મળતી માહિતી મુજબ, મૃતક લીલાબેન ટપુભાઈ સોલંકી કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર નજીક ઝૂંપડામાં રહેતા હતા અને ભિક્ષાવૃત્તિ કરતા હતા. 19 ઓગસ્ટે સવારે તેમના પૌત્ર અજય તેમને રોજની જેમ મંદિર પાસે મૂકીને ગયો હતો. સાંજે દાદી ત્યાં જોવા ન મળતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. તેમ છતાં કોઈ પત્તો ન લાગતા 20 ઓગસ્ટે કુવાડવા પોલીસને ગુમ થયાની જાણ કરવામાં આવી હતી.

Ajidam Old Woman Murder Case: આજીડેમ કાંઠેથી મૃતદેહ મળ્યો

21 ઓગસ્ટે ભાવનગર હાઈવે પર મોગલ માતાજીના મંદિર નજીક આજીડેમના કાંઠેથી અજાણી વૃદ્ધાનો (77 Year Old Woman Murder) મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી ઓળખની કાર્યવાહી શરૂ કરી હતી. તપાસ દરમિયાન પરિવારજનોએ મૃતકની ઓળખ લીલાબેન સોલંકી તરીકે કરી હતી.

CCTVથી પોલીસને મળ્યો મહત્વનો પુરાવો

ફોરેન્સિક પોસ્ટમોર્ટમ દરમિયાન વૃદ્ધાના મોત અંગે શંકા ઊભી થતાં પોલીસે તેઓ ગુમ થયા હતા તે સ્થળથી લઈને મૃતદેહ મળ્યો હતો તે વિસ્તાર સુધીના CCTV ફૂટેજ તપાસ્યા હતા. ટેક્નિકલ તપાસ અને માનવ સ્ત્રોતોની મદદથી પોલીસને એક શખસ વૃદ્ધાને રિક્ષામાં બેસાડીને લઈ જતો હોવાના CCTV ફૂટેજ (Ajidam Murder) મળ્યા હતા. ત્યારબાદ રિક્ષાચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

પોલીસની પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવી

પોલીસના જણાવ્યા મુજબ, રિક્ષાચાલકની ઓળખ રમેશ બચુભાઈ વૈધુકિયા તરીકે થઈ હતી. પૂછપરછ દરમિયાન તેણે વૃદ્ધાને મંદિર પાસેથી ઘરે પહોંચાડવાના બહાને રિક્ષામાં બેસાડ્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ તેમને અલગ જગ્યાએ લઈ જઈ હુમલો કર્યો હતો અને ગંભીર ગુનો આચરી તેમની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બાદમાં લાશને કપડામાં વીંટાળીને આજીડેમ કાંઠે ફેંકી આરોપી ત્યાંથી નીકળી ગયો હતો.

અગાઉ પણ હત્યાના કેસોમાં સંડોવણી

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી રમેશ વૈધુકિયા અગાઉ પણ હત્યાના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, 2010માં ચોટીલા ખાતે એક મહિલાની હત્યા કરી મૃતદેહ કૂવામાં ફેંકવાનો કેસ તેની સામે નોંધાયો હતો. ત્યારબાદ 2018માં રાજકોટના કુવાડવા વિસ્તારમાં એક વૃદ્ધાની લૂંટ બાદ હત્યાના કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું.

3 વર્ષની બાળકીના કેસમાં ફાંસીની સજા થઈ હતી

પોલીસના (Rajkot Police) જણાવ્યા મુજબ, 2018માં જ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શ્રમિક પરિવારની 3 વર્ષની બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં પણ રમેશ વૈધુકિયા આરોપી હતો. આ કેસમાં રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટે 2020માં તેને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેસ ગણીને ફાંસીની સજા સંભળાવી હતી. જોકે, બાદમાં આરોપીએ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને 2025માં હાઈકોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

હાલ પોલીસે રમેશ વૈધુકિયાની ધરપકડ કરી અપહરણ, હત્યા અને પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. અગાઉના ગુનાઓ અને આ કેસમાં તેની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ આગળ વધારી રહી છે.


આ પણ વાંચો: સાગબારા-ઉમરપાડા જમીન વિવાદ: 19 દિવસથી આદિવાસી ખેડૂતોનું આંદોલન

આ પણ વાંચો: અમદાવાદમાં 75 વર્ષીય નિવૃત્ત મહિલા પ્રોફેસર ‘ડિજિટલ અરેસ્ટ’નો શિકાર, 17 દિવસમાં રૂ.54.60 લાખ પડાવ્યા

આ પણ વાંચો: દારૂના કેસમાં સેટલમેન્ટ માટે બુટલેગર પાસે પૈસા માંગનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ, ઓડિયો વાયરલ