Ahmedabad News/ દારૂના કેસમાં સેટલમેન્ટ માટે બુટલેગર પાસે પૈસા માંગનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ, ઓડિયો વાયરલ

નરોડા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જનક દેસાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (Suspended)કરવામાં આવ્યા છે

Gujarat Ahmedabad
નરોડા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જનક દેસાઈ (Janak Desai)ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (Suspended)કરવામાં આવ્યા છે

Ahmedabad News : અમદાવાદનું નરોડા પોલીસ સ્ટેશન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. બુટલેગર સાથેની કથિત વાતચીતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ વિભાગે કાર્યવાહી કરી છે. નરોડા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જનક દેસાઈ (Janak Desai)ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (Suspended)કરવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસ દરમિયાન કોન્સ્ટેબલની ભૂમિકા શંકાસ્પદ જણાતાં આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાની વધુ તપાસની જવાબદારી G ડિવિઝનના ACPને સોંપવામાં આવી છે.

દારૂની પેટી ઝડપાયા બાદ સેટલમેન્ટની કથિત વાતચીત

મળતી માહિતી મુજબ, નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ અગાઉ એક વાહનમાંથી દારૂની પેટી ઝડપાઈ હતી. આ મામલે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

આ કાર્યવાહી બાદ અન્ય આરોપીઓના નામ કેસમાં ન આવે અને મામલો પતાવી શકાય તે અંગે પોલીસ કર્મચારી અને બુટલેગર વચ્ચે કથિત વાતચીત થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ જ વાતચીતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

લાખોની રકમ અંગે કથિત ચર્ચા

વાયરલ ઓડિયોમાં પોલીસ કર્મચારી અને બુટલેગર વચ્ચે મોટી રકમના સેટલમેન્ટ અંગે ચર્ચા થતી સંભળાય છે. અહેવાલ મુજબ, એક તરફથી ₹3.5 લાખની માગણી કરવામાં આવી હોવાનો આરોપ છે, જ્યારે સામેની વ્યક્તિ ₹1.5 લાખ સુધીની રકમ આપવા તૈયાર હોવાનું કથિત રીતે જણાવે છે.

વાતચીતમાં પકડાયેલા દારૂની બ્રાન્ડ અને કેસમાં અન્ય લોકોનાં નામ બહાર આવવાની શક્યતાનો પણ ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે. જોકે, વાયરલ ઓડિયો(Viral Audio)ની સંપૂર્ણ પ્રામાણિકતા અને તેમાં થયેલી વાતચીતનો સંદર્ભ સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

‘આ વખતે સેટલમેન્ટ કરીશું તો વિશ્વાસ બંધાશે’ જેવી વાતનો દાવો

વાયરલ થયેલી ક્લિપમાં કથિત રીતે પોલીસ કર્મચારી ભવિષ્યમાં પણ પરસ્પર સંપર્ક અને વ્યવહાર જળવાઈ રહે તે અંગે વાત કરતો સંભળાય છે. પોલીસ કર્મચારી દ્વારા ઉપરી અધિકારી સાથે વાત કરીને મામલો ચોક્કસ રકમમાં પતાવવાનો પ્રયાસ કરવાની વાત પણ કરવામાં આવી હોવાનું જણાવાય છે.

બીજી તરફ, બુટલેગર તરફથી માત્ર એક પેટી માલ હોવાનું જણાવી આટલી મોટી રકમ શા માટે માગવામાં આવી રહી છે તે અંગે સવાલ કરવામાં આવતો હોવાનું કથિત ઓડિયોમાં સંભળાય છે.

SMCની રેઇડ બાદ ફરી ઉઠ્યા સવાલો

નરોડા પોલીસ (Naroda Police)સ્ટેશન છેલ્લા કેટલાક સમયથી વિવિધ કારણોસર ચર્ચામાં રહ્યું છે. વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની કાર્યવાહી બાદ પોલીસ સ્ટેશનમાં નવા PIની નિમણૂક થયાને હજુ થોડો જ સમય થયો છે. તેવામાં પોલીસ કર્મચારી અને બુટલેગર વચ્ચેની કથિત વાતચીત સામે આવતા પોલીસ વહીવટ સામે ફરી સવાલો ઊભા થયા છે.

ઉચ્ચ અધિકારીઓના નામનો ઉપયોગ કર્યાનો આક્ષેપ

ઓડિયો વાયરલ (Viral Audio)થયા બાદ પોલીસ કમિશનર કચેરીથી લઈને ઝોન-4ના DCP સ્તર સુધી મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં કોન્સ્ટેબલ દ્વારા બુટલેગર સાથે સતત સંપર્ક રાખવામાં આવ્યો હોવાની અને કથિત રીતે ઉપરી અધિકારીઓના નામનો ઉપયોગ કરીને પોતાના આર્થિક લાભ માટે વાતચીત કરવામાં આવી હોવાની બાબત સામે આવી હોવાનું પોલીસ વિભાગે જણાવ્યું છે.

જનક દેસાઈ સસ્પેન્ડ, ACP કરશે તપાસ

પોલીસ વિભાગે સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે. પ્રાથમિક તપાસમાં કોન્સ્ટેબલ જનક દેસાઈ (Janak Desai)ની ભૂમિકા શંકાસ્પદ જણાતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગની છબીને નુકસાન પહોંચાડે તેવું અને પોલીસ કર્મચારી તરીકે અયોગ્ય વર્તન બદલ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

હવે G ડિવિઝન ACP દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે. વાયરલ ઓડિયો ક્લિપની હકીકત, તેમાં થયેલી વાતચીત અને તેમાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા છે કે નહીં તે તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો : સ્કૂલ ઠીક કરો અભિયાનની અસર: દારૂના નશામાં રહેતો પ્રિન્સિપાલ સસ્પેન્ડ

આ પણ વાંચો : માણસામાં વૃદ્ધ ચાવાળાને માર મારવાના આરોપમાં ASI સસ્પેન્ડ, CCTV સામે આવતા SPની કડક કાર્યવાહી

આ પણ વાંચો : અમદાવાદ મનપસંદ જીમખાના જુગારકાંડમાં DGPનીકાર્યવાહી, 3 પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ