Ahmedabad News : શહેરના મનપસંદ જીમખાના (Manpasand Gymkhana)માં જુગારધામ ઝડપાયા બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચ્યો છે. SMCની ટીમે દરોડો પાડી જીમખાનામાં ચાલતા કથિત જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે હવે ગુજરાત પોલીસના DGP(DGP Gujarat) દ્વારા જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
મનપસંદ જીમખાના (Manpasand Gymkhana)માં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે દરોડો
મળતી માહિતી મુજબ, મનપસંદ જીમખાનામાં જુગાર (Gambling)રમાતો હોવાની માહિતીના આધારે SMCની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જીમખાનામાંથી જુગારધામ ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા.
આ સમગ્ર મામલે DGP સ્તરે ગંભીર નોંધ લેવામાં આવી છે. કાર્યવાહીરૂપે દરિયાપુર પોલીસ સ્ટેશનના PI જી.વી. ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત દરિયાપુર પોલીસ ચોકીના PSI અને સર્વેલન્સ PSI સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.
મનપસંદ જીમખાનામાં લાંબા સમયથી જુગાર ચાલતો હતો કે કેમ અને સ્થાનિક પોલીસને તેની જાણ હતી કે નહીં, તે મુદ્દે પણ તપાસનો દોર આગળ વધી શકે છે. SMCના દરોડા બાદ પોલીસ તંત્રની કામગીરી અંગે ઉઠેલા પ્રશ્નોને પગલે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
DGPની કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો મળ્યો છે કે પોલીસ હદમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે બેદરકારી અથવા જવાબદારીમાં ચૂક જણાશે તો સંબંધિત અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
