Surat News: સુરત શહેરમાં હોટેલના રૂમનો ઉપયોગ કરીને જુગાર (Surat Gambling Raid) રમાડવાના કથિત રેકેટનો ઇચ્છાપોર પોલીસે પર્દાફાશ કર્યો છે. ઇચ્છાપોર બસ સ્ટેશન નંબર-3 નજીક આવેલી ‘સનસિટી’ હોટેલના ચોથા માળે રૂમ નંબર 411માં જુગાર રમાતો હોવાની બાતમી મળતાં પોલીસે રાત્રિના સમયે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન એક મહિલા સહિત કુલ 29 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ ₹24,13,780નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
Surat Gambling Raid: હોટેલના રૂમમાં ચાલતો હતો જુગાર
મળતી માહિતી મુજબ, ઇચ્છાપોર બસ સ્ટેશન નંબર-3 નજીક આવેલી હોટેલના ચોથા માળે રૂમ નંબર 411માં જુગાર (Surat Gambling Raid) રમાડવામાં આવતો હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે રૂમમાં દરોડો પાડ્યો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન રૂમમાંથી 29 લોકો મળી આવ્યા હતા. પોલીસે તમામને ઝડપી પાડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
હોટેલ માલિક સહિત ચાર લોકો સામે મુખ્ય ભૂમિકાનો આક્ષેપ
પોલીસ તપાસમાં હોટેલના માલિક મહેશકુમાર હીરાભાઈ ચૌધરીનું નામ સામે આવ્યું હોવાનું જણાવાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહેશ ચૌધરીએ શાહરૂખ શરીફ શેખ, આસિફ ખાન પઠાણ અને મોહમ્મદ સાજિદ સાથે મળીને હોટેલના રૂમમાં જુગાર (Surat Gambling Raid) રમાડવાની વ્યવસ્થા કરી હોવાનો આક્ષેપ છે. તપાસમાં જુગારીઓને સુરતના અલગ-અલગ વિસ્તારોમાંથી બોલાવવામાં આવતા હોવાની માહિતી પણ સામે આવી છે. જેમાં લાલગેટ, સલાબતપુરા, ડિંડોલી, ઉધના અને ચોકબજાર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
રોકડ અને 30 મોબાઈલ સહિત ₹24.13 લાખનો મુદ્દામાલ
રોકડ: ₹3,20,780
30 મોબાઈલ ફોન: અંદાજિત કિંમત ₹4,23,000
2 કાર
1 ઓટોરિક્ષા
11 મોટરસાઈકલ: અંદાજિત કિંમત ₹16,70,000
ગંજીપાનાના 12 કેટ
આંકડા લખેલું બોર્ડ
આ તમામ મળીને પોલીસે કુલ ₹24,13,780નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જણાવ્યું છે.
એક મહિલા સહિત 29 લોકો સામે કાર્યવાહી
પોલીસે દરોડા દરમિયાન એક મહિલા સહિત કુલ 29 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં તમામ સામે ગુજરાતના જુગાર સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે જુગારધારાની કલમ 4 અને 5 હેઠળ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
હોટેલ-રિસોર્ટમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસની નજર
હોટેલના રૂમમાં જુગારધામ (Surat Gambling Raid) ઝડપાયા બાદ શહેરમાં હોટેલ અને રિસોર્ટની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી વધુ કડક બનવાની શક્યતા છે.પોલીસ દ્વારા હોટેલ સંચાલકોની ભૂમિકા સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. નિયમોના ભંગ અંગેની તપાસના આધારે લાઇસન્સ સંબંધિત કાર્યવાહી પણ થઈ શકે છે.
આ પણ વાંચો:હારીજમાં જુગારધામ પર SMC ત્રાટક્યું: અમદાવાદ-બેચરાજીથી આવેલા જુગારીઓ સહિત 28 ઝડપાયા
આ પણ વાંચો:અમદાવાદ ન્યુ રાણીપમાં ફ્લેટમાં જુગારધામ ઝડપાયું, 8 ઝડપાયા; રૂ.38.15 લાખનો મુદ્દામાલ જપ્ત
આ પણ વાંચો:D કંપની સ્ટાઈલના જુગારધામ પર SMCનો દરોડો, ટેબલ ભાડે આપી ચલાવાતો હતો ખેલ
