મુંબઇ પોલીસ કમિશનર તેમના સરાહનીય કામગીરીથી સમગ્ર શહેરમાં લોકપ્રિય બન્યા છે, તેમના નિર્ણયથી મુંબઇના રહેવાસીઓને ફાયદો થાય છે, અવારનવાર સારા નિર્ણય લઇને પ્રજાના હિત માટે કામ કરી રહ્યા છે. મુંબઈના રહેવાસીઓ માટે પોલીસ કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે,પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. મુંબઈના નવા પોલીસ કમિશ્નર સંજય પાંડેએ એક પછી એક નવા નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. આ જ ક્રમમાં આ તેમનો ત્રીજો મહત્વનો નિર્ણય છે. આ પહેલા તેમણે મુંબઈમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બાંધકામનું કામ બંધ કરાવી દીધું છે. ઘણા મુંબઈવાસીઓએ તેમને ફેસબુક લાઈવમાં ફરિયાદ કરી હતી કે રાત્રિના બાંધકામના કામથી અવાજનું પોલ્યુશન થાય છે, જેના કારણે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
#PassportVerification. We have decided no citizen will be called to police station in Mumbai except in exceptional cases of documents being incomplete etc. If not followed do report🙏
— Sanjay Pandey (@sanjayp_1) March 12, 2022
અન્ય એક નિર્ણયમાં, તેમણે જાહેરાત કરી હતી કે હવેથી મુંબઈમાં, જો કોઈની કાર નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી જોવા મળશે, તો ટ્રાફિક પોલીસ તેને ઉપાડશે નહીં. પરંતુ સાથે જ એ આગ્રહ પણ કર્યો કે, મુંબઈવાસીઓએ પણ પાર્કિંગ સ્પેસમાં જ કાર પાર્ક કરવાની શિસ્ત બતાવવી જોઈએ. જેથી પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલા આ નિર્ણયને નિયમિત કરી શકાય.
આ ઉપરાંત તેમણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલા પોલીસકર્મીઓની ફરજના કલાકો 8 કલાક નક્કી કર્યા હતા. એટલે કે મહિલા પોલીસકર્મીઓએ આઠ કલાકથી વધુ ડ્યૂટી કરવાની રહેશે નહીં. આજે (શનિવાર, 12 માર્ચ) પોતાના નિર્ણયમાં સંજય પાંડેએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે જે મુંબઈવાસીઓને પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન જવાની પરેશાનીનો સામનો કરવો પડતો હતો, તેનાથી છૂટકારો મળ્યો છે. આ નિર્ણયને મુંબઈવાસીઓએ આવકાર્યો છે.
