Gandhinagar News : ગુજરાત રાજ્યમાં સગર્ભા અને ધાત્રી માતાઓ માટે આરોગ્ય અને પોષણ સેવાઓને પ્રોત્સાહન આપવા માટે રાજય સરકાર દ્વારા “નમોશ્રી” યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, સગર્ભાવસ્થા અને ધાત્રી સાવધાની માટે મહત્વપૂર્ણ નાણાકીય સહાય આપવામાં આવે છે. “નમોશ્રી” યોજના શરૂ થયા પછીના ૯ મહિનામાં ૩.૧૧ લાખથી વધુ બહેનોને ₹.૭૧ કરોડથી વધુની નાણાકીય સહાય DBT દ્વારા મળેલી છે. આ સહાય તબક્કાવાર રૂપે રૂ. ૧૨,૦૦૦ સુધી પહોંચે છે, જે સગર્ભા અને ધાત્રી માતાઓને તેમના આરોગ્ય અને પોષણ માટે આપવામાં આવે છે.
રાજ્યના નવજાત બાળકોને પોષણયુક્ત આહાર ઉપલ્બધ કરાવવા તેમજ રાજ્યમાં બાળ અને માતા મૃત્યુદરમાં ઘટાડો કરવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટમાં “નમોશ્રી” યોજના શરૂ કરવાની જાહેરાત કરાઇ. એપ્રિલ-૨૦૨૪ થી સમગ્ર રાજ્યમાં શરૂ થયેલ “નમો શ્રી” યોજના ફક્ત ૯ મહિનામાં રાજ્યની ૩.૧૧ લાખ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે આશીર્વાદરૂપ બની છે. લાભાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિએ અમદાવાદ, સુરત, રાજકોટ, દાહોદ અને બનાસકાંઠા ક્રમશ: અગ્રેસર રહ્યાં છે. જેમાં અમદાવાદ જિલ્લામાં ૩૧,૯૧૮ માતાઓને કુલ રૂ. ૭.૩૫ કરોડ, સુરત જિલ્લાની ૨૭,૩૫૩ માતાઓને કુલ રૂ.૬.૨૪ કરોડ, રાજકોટ જિલ્લાની ૨૦,૫૧૭ માતાઓને કુલ રૂ. ૪.૭૮ કરોડ, દાહોદ જિલ્લાની ૧૮,૩૯૪ માતાઓને કુલ રૂ. ૪.૦૪ કરોડ અને બનાસકાંઠા જિલ્લાની ૧૫,૭૬૧ સગર્ભા અને ધાત્રી માતાઓને કુલ રૂ. ૩.૫૩ કરોડની નાણાકીય સહાય DBT મારફતે નમોશ્રી યોજના અંતર્ગત ચૂકવાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દર વર્ષે અંદાજિત ૧૨ લાખ જેટલા નવજાત બાળકોના જન્મ થાય છે. આ તમામ બાળકોને તથા સગર્ભા અને ધાત્રી માતાઓને પૂરતા પ્રમાણમાં પોષણ આપવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. “નમો” શ્રી યોજનામાં સગર્ભાવસ્થાની નોંધણી, ગર્ભાવસ્થાનાં ૬ માસ પુર્ણ થયા બાદ, સંસ્થાકીય પ્રસુતી સમયે તથા બાળકનું સંપુર્ણ રસીકરણ બાદ તબક્કાવાર કુલ રૂ. ૧૨,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ તેમજ દ્વિતીય ગર્ભાવસ્થા માટે જ નમો શ્રી યોજનાનો લાભ મળવાપાત્ર છે. આ યોજના અંતર્ગત SC, ST, NFSA, PM-JAY સહિતના ૧૧ જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને વર્ષે રૂ. ૧૨ હજારની સહાય તબક્કાવાર DBT મારફતે આપવામાં આવે છે.
આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. આ યોજનાના લાભ મેળવવા માટે સગર્ભા માતા તેઓના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા નજીકનાં સ્ત્રી આરોગ્ય કાર્યકર અથવા આશાનો સંપર્ક કરી શકે છે. સગર્ભા બહેનોને વધુ પોષણ પ્રાપ્ત થાય, તેમનો આરોગ્ય સુદ્રઢ થાય અને તેનાથી માતા અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવા ઉમદા આશયથી નમો શ્રી યોજના કાર્યરત છે. આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવાના હેતુસર સગર્ભા માતા તેમજ ધાત્રી માતાને કુલ રૂા. ૧૨૦૦૦/-ની સહાય તબક્કાવાર DBT મારફતે આપવામાં આવે છે.
આ પણ વાંચો: સરકારે ખેડૂતોને મોટી રાહત આપી! PMFBY અને RWBCIS યોજનાઓ 2025-26 સુધી ચાલુ રાખવાની મંજૂરી
આ પણ વાંચો: સ્વામિત્વ યોજના: ગ્રામીણોને સંપત્તિની માલિકી આપવામાં ગુજરાત દેશમાં પ્રથમ, કેવી રીતે મેળવશો લાભ…
આ પણ વાંચો: ગુજરાતના નાગરિકો માટે: વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી ‘મારી યોજના’ પોર્ટલ પર
