કોચી
સબરીમાલા મંદિરનો વિવાદ થમવાનું નામ જ નથી લેતો. સુપ્રીમ કોર્ટ દ્વારા બે અઠવાડિયા પહેલા ઐતિહાસિક ચુકાદો આપ્યો છે કે સબરીમાલા મંદિરમાં હવે મહિલાઓ પણ પ્રવેશ કરી શકશે.
કેરળના સબરીમાલા મંદિરમાં 10 થી ૫૦ વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો, ત્યારે આ મામલે હાઈકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં જણાવવામાં આવ્યું, “મંદિર કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી. કોઈ પણ વ્યક્તિ મંદિરમાં પ્રવેશી શકે છે. કોર્ટે મહિલાઓના પ્રવેશને મંજુરી આપી હતી.
સુપ્રીમ કોર્ટના આ ફેંસલા પર મલયાલમ એક્ટર કોલ્લમ તુલસીએ પોતાનું વિવાદિત નિવેદન આપ્યું છે. તુલસીએ કહ્યું છે કે જો સબરીમાલા મંદિરમાં કોઈ મહિલા પ્રવેશ કરશે તો તેના બે ટુકડા કરવા જોઈએ. આ બે ટુકડામાંથી એક ટુકડો દિલ્લી મોકલવો જોઈએ અને બીજો ટુકડો મુખ્યમંત્રીના કાર્યાલય બહાર ફેંકવો જોઈએ.
આ નિવેદન મલયાલમ એક્ટરે કોચીમાં એક રેલી દરમ્યાન કહ્યું હતું. કોલ્લમ તુલસીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ભલે કોઈ પણ ઉંમરની મહિલાને પ્રવેશવા માટે મંજુરી આપી હોય પરંતુ સબરીમાલા મંદિરના ભક્ત તેવું જરાય નથી ઇરછતા કે જૂની પરંપરા તોડવામાં આવે.
ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ આર નરીમન અને જસ્ટિસ એ એમ ખાનવિલકર દ્વારા મહિલાઓના પક્ષમાં નિર્ણય આપવામાં આવ્યો હતો, જયારે જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા દ્વારા સબરીમાલા મંદિરના પક્ષમાં પોતાનો ચુકાદો આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અંદાજે ૮૦૦ વર્ષ જુના સબરીમાલા મંદિરની મહિલાઓની એન્ટ્રી પર રોક લગાવવાની માન્યતા ઘણા સમયથી ચાલી રહી હતી
તમને જણાવી દઈએ કે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ જણાવ્યું હતું કે, “આસ્થાના નામે લિંગભેદ કરવામાં આવી શકે એમ નથી. કાયદો અને સમાજનું કામ બધાને એક સમાન રીતે જોવાનું છે. મહિલાઓ માટેના આ પ્રકારના માપદંડ તેઓનું સન્માન ઓછુ કરે છે”.
જસ્ટિસ નરીમને પણ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, “મહિલાઓને કોઈ પણ એક સ્તરથી નીચે આંકવું એ પ્રકારે બંધારણનું ઉલ્લંઘન કરવું જ છે”.
બીજી બાજુ સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ સબરીમાલા મંદિર તરફથી અરજી કરનારા પીટીશનરનું કહેવું છે કે, “તેઓ હવે આ મામલે રિવ્યુ પીટીશન દાખલ કરશે”.
કેરળના પત્થનમથીટ્ટા જિલ્લાના પશ્ચિમી ઘાટ પરના પહાડ પર સ્થિત સબરીમાલા મંદિર ટ્રસ્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, “૧૦ થી ૫૦ વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશવા પર એટલા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કારણ કે, માસિક ધર્મના સમય પર તેઓ શુદ્ધતા બનાવી શકતી નથી.
કેરળનું આ સબરીમાલા મંદિર પથાનામથીટ્ટા જિલ્લામાં છે. આ મંદિર ભગવાન અયપ્પાને સમર્પિત છે.
