મુંબઇ
ગુજરાતમાં પાટીદારોને અનામત આપવા માટે હજુ સરકારે કોઇ જ હિલચાલ નથી કરી ત્યાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પછાત વર્ગ આયોગે મરાઠાઓને 16 ટકા અનામત આપવાની ભલામણ કરી છે. પછાત વર્ગ માટેના આ કમિશને અનામત અંગે પોતાનો અહેવાલ સરકારને સોંપી દીધો છે.
આ અહેવાલ આવ્યા પછી મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે શનિ શિંગળાપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું કે 1લી ડિસેમ્બરે ઉત્સવ મનાવજો.
સીએમ ફડણવીસનું આ સ્ટેટમેન્ટને એવો સંકેત માનવામાં આવે છે કે મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત મળી શકે છે.
આયોગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં 30 ટકા વસ્તી મરાઠાઓની છે. તેમને સરકાર નોકરીમાં અનામતની જરુર છે. જોકે તેની સાથે સાથે આયોગે કહ્યુ છે કે અનામત આપવાના કારણે ઓબીસી ક્વોટામાં કોઈ ફેરફાર કરવામાં ના આવે. જેનો અર્થ એ થયો કે જો આ ભલામણ સરકાર મંજુર કરે છે તો તમામ કેટેગરીમાં મળીને રાજ્યમાં 68 ટકા અનામત થશે. હાલમાં 52 ટકા અનામત પહેલેથી લાગુ છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી મરાઠા સમાજ અનામતની માંગ સાથે મહારાષ્ટ્રમાં દેખાવો કરી રહ્યો હતો.
પછાત વર્ગ આયોગને મહારાષ્ટ્ર સરકારે અનામતના મુદ્દે સર્વેક્ષણ કરાવવા માટે કહ્યુ હતુ. આ દરમિયાન આયોગે મરાઠા સમુદાયના બે લાખ લોકોની ફરિયાદો સાંભળી હતી. 25000 પરિવારોના ઘરોનો સર્વે કર્યો હતો.
આ વર્ષ જુલાઈમાં રાજ્યમાં મરાઠા અનામતને લઈને વિભિન્ન જગ્યાઓ પર આંદોલન થયા, જેમાં કેટલીક જગ્યાઓ પર તો આંદોલન હિંસક પણ બની ગયુ હતુ. તે પછી ઓગસ્ટમાં ફડણવીસ સરકારે અનામતને લઈને સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી.
આ અહેવાલના પગલે હવે ગુજરાતમાં પણ પાટીદાર સમાજ સરકાર સમક્ષ અનામતની માંગણીને વધારે બુલંદ બનાવે તો નવાઈ નહી.
