નવી દિલ્હી,
ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઇ દેશની તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા કવાયત શરુ કરી દેવામાં આવી છે. વિપક્ષી પાર્ટીઓ દ્બારા મેગા રેલી યોજીને વર્તમાન મોદી સરકાર વિરુધ ચૂંટણીનું બ્યુગલ ફુકવામાં આવી રહ્યું છે, તો બીજી ભાજપ દ્વારા પણ મિશન ૨૦૧૯ને પાર પાડવા માટે રેલીઓ યોજાઈ રહી છે.
આ વચ્ચે સમાચાર પ્રાપ્ત થયા છે કે, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પીએમ મોદીની જેમ જ લોકસભાની ચૂંટણી એક કરતા વધુ બેઠક પરથી લડી શકે છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, રાહુલ ગાંધી પોતાની પરંપરા બેઠક અમેઠી ઉપરાંત મહારાષ્ટ્રના નાંદેડ અને મધ્યપ્રદેશના છિંદવાડા સીટ પરથી પોતાની કિસ્મત અજમાવી શકે છે.
આ બે બેઠકોમાં નાંદેડ એ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચૌહાણનું સંસદીય ક્ષેત્ર છે જયારે એમપીનું છિંદવાડા સીટ પરથી રાજ્યના હાલના મુખ્યમંત્રી કમલનાથ પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે અને આ બંને બેઠકો કોંગ્રેસનો ગઢ મનાય છે.
વર્ષ ૨૦૧૪માં બે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા પીએમ મોદી

મહત્વનું છે કે, ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર પીએમ નરેન્દ્ર મોદીએ મોટો દાવ રમતા ગુજરાતના વડોદરા અને ઉત્તરપ્રદેશના વારાણસી એમ બે બેઠક પરથી ચૂંટણી લડી હતી.
આ બંને બે બેઠકો પરથી તેઓ ચૂંટણી જીત્યા હતા અને ત્યારબાદ વારાણસીની સીટ જાળવી રાખી હતી.
