દેહરાદૂન
કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એટલે કે ગંગા. હાલમાં જ એક રીપોર્ટના ખુલાસા પછી ગંગાનું પાણી ચોખ્ખું છે તેવા સરકારના દરેક દાવા ખોટા સાબિત થયા છે. વિધાનસભા સત્રના ત્રીજા દિવસે વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૭ના સીએજી એટલે કે કેગનો રીપોર્ટ રાખવામાં આવ્યો હતો. કેગનું પૂરું નામ Comptroller and auditor general of india છે.


આ રીપોર્ટમાં જે ખુલાસા થયા છે તે બધા અત્યંત ચિંતાજનક છે. રીપોર્ટમાં ચોખ્ખું લખેલું છે કે ગંગામાં ગટરોનું ખરાબ પાણી ઠાલવવામાં આવે છે એટલું જ નહી કારખાનાનું પાણી પણ ઠાલવવામાં આવે છે. કેગના રીપોર્ટમાં ગંગા સ્વરછતા અભિયાન માટેના સરકારના દરેક દાવા ખોટા સાબિત થયા છે.


કેગના રીપોર્ટ દ્વારા માહિતી મળી છે કે ગંગા કિનારે રહેલા સાત સ્થળોમાં આવેલા ૧૩૨ પંચાયતોનો ૩૬૫ ગામડામાં ખુલ્લામાં શૌચમુક્ત નો દાવો ખોટો છે. તપાસ દરમ્યાન ખબર પડી છે કે ૧૧૪૩ ખાનગી શૌચાલયમાંથી ૪૧ તો હજુ બન્યા નથી. જયારે ૩૪ શૌચાલયમાં હજુ કામ ચાલુ છે.

ગંગા નદીને સાફ કરવા માટે પહેલા ગંગા એક્શન પ્લાન અને હાલ નમામિ ગંગે જેવા મોટા અને વ્યાપક કાર્યક્રમની ઘોષણા તો વારંવાર કરવામાં આવે છે અને અરબો રૂપિયા પાણીમાં વહી જાય છે. કેગના રીપોર્ટની વાત કરવામાં આવે તો હાલ સુધી કોઈ પણ કામ ગંગાની સફાઈ માટે સરખું પૂરું કરવામાં નથી આવ્યું. હરદ્વાર, દેવપ્રયાગ, ઋષિકેશ અને ઉત્તર કાશી જેવા ક્ષેત્રોમાં અત્યાર સુધી જોઈએ તેવી ગટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કામ નથી કરી રહ્યા.

આ મામલા પર ઉત્તરાખંડના પીવાના પાણીના મંત્રી પ્રકાશ પંતે કહ્યું હતું કે કેગની રીપોર્ટ સાચી છે પરંતુ આ રીપોર્ટ જૂની છે. તેમણે પોતાની સરકારના વખાણ કરતા કહ્યું કે જ્યારથી મારી સરકાર આવી છે ત્યારથી બધું સારી રીતે કાર્ય થઇ રહ્યું છે. પ્રકાશ પંતના કહ્યા પ્રમાણે આશરે ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી બધું કામ વ્યવસ્થિત પૂરું થઇ જશે.
