વિશ્વ સ્તરીય ઇસ્લામિક સંસ્થા જમિયત ઉલેમા-એ-હિન્દએ ભારત ભરમાં મુસ્લિમ યુવાઓ નું એક મોટું સંગઠન બનાવવાની તૈયારી શરુ કરી છે. આ કોશિશને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જેમ સ્વયંસેવકો તૈયાર કરવાના રૂપમાં જોવાઈ રહી છે.
જમિયત યુથ કલબ નામથી બનેલા આ સંગઠનના વિસ્તારના પહેલા ફેઝમાં પાંચ રાજ્યોના 16 જિલ્લાઓના મુસ્લિમ યુવાઓ ને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. સંગઠનનો દાવો છે કે, આ બધા મુસ્લિમ યુવાનો સમાજ માટે તમામ રીતે સકારાત્મક દિશામાં કામ કરશે.

સંગઠનના પ્લાન મુજબ દરેક વર્ષે સાડા બાર લાખ યુવાઓને જોડીને 2028 સુધીમાં દેશના સો જિલ્લાઓમાંથી સવા કરોડ યુવાઓને પ્રશિક્ષિત કરવામાં આવશે. આ માટે ભારત સ્કાઉટ અને ગાઈડ પાસેથી પણ સહયોગ લેવામાં આવશે. આ માટે બે દિવસ પહેલા જ સૌથી મોટા ઇસ્લામિક કેન્દ્ર દેવબંદમાં રાજ્યસભાના પૂર્વ સદસ્ય મૌલાના મહમૂદ મદનીએ પશ્ચિમ યુપી, હરિયાણા અને ગુજરાત સહીત અલગ-અલગ પ્રદેશોના 100 યુવાનોના એક જથ્થાનું પ્રદર્શન કરીને ઈરાદા સ્પષ્ટ કર્યા હતા. સંગઠનનું કહેવાનું છે કે આવનારા સમયમાં યુવાઓના આ સંગઠન દ્વારા સામાન્ય લોકોના હિત અને સુરક્ષાની દ્રષ્ટિથી કામ કરવામાં આવશે.

આ યોજના હેઠળ આવતા છ મહિનામાં દસ હજાર યુવાઓને જમિયત યુથ ક્લબ સાથે જોડીને રાષ્ટ્ર અને માનવ સેવા કરવા માટે તૈયાર કરવામાં આવશે. દેવબંદમાં જેવી રીતે ઘણા પ્રદેશના 100 યુવાઓએ ટ્રાયલ હેઠળ પોતાની કલાનું પ્રદર્શન કર્યું, એવી જ રીતે ફેબ્રુઆરી 2019માં યુથ ક્લબ ના સભ્યો પોતાની કલાનું સાર્વજનિક રીતે મોટું પ્રદર્શન કરશે. આ ઉપરાંત જાન્યુઆરી 2019 સુધી દેશના 100 જિલ્લાઓમાંથી 3200 યુવાઓને સ્કાઉટ માસ્ટરની ટ્રેનિંગ આપવામાં આવશે. આવતા 10 વર્ષમાં સવા કરોડ થી પણ વધારે યુવાઓને આ સંગઠન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.
