તાજેતરમાં ઇન્ડોનેશિયા એશિયન ગેમ્સ 2018માં રાજકોટ ડિવીઝનમાં TT તરીકે ફરજ બજાવતી નીના વર્કલે એથ્લેટિકની લાંબી કૂદ સ્પર્ધામાં 6.51 મીટરની છલાંગ લગાવી સિલ્વર મેડલ મેળવ્યો હતો. મૂળ કેરળના કાલીકટ જિલ્લાની 27 વર્ષીય નીનાએ મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સફળ પુરૂષ પાછળ મહિલાનો હાથ હોય છે. પરંતુ મારી સફળતાનું કારણ મારા પતિ છે. રાજકોટની ટૂંકી મુલાકાતે આવેલી નીનાનું રાજકોટ રેલ્વે દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.

કેરળના કાલિકટમાં 5 મે 1991ના રોજ ખેડૂતના ઘરે જન્મેલી નીનાએ વધુમાં કહ્યું હતું કે, 4 નવેમ્બર 2017ના રોજ મારા પિન્ટો મેથ્યુ સાથે પ્રેમલગ્ન થયા હતા. પતિ પિન્ટો રાજકોટમાં સિનિયર ટીસી તરીકે કામ કરે છે, અને બે વર્ષથી મારા કોચ પણ છે. અને મારી સફળતા પાછળ તેમનો ખૂબ જ મોટો ફાળો છે. આગામી સમયમાં ટોકિયો ઓલિમ્પિકસમાં ભાગ લઈ મેડલ જીતવો પોતાનું સ્વપ્ન હોવાનું પણ નીનાએ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, નીના વર્ષ 2013થી 2018 સતત છ વર્ષ સુધી સુવર્ણ પદક મેળવી ચુકી છે. નેશનલ ચેમ્પિયનશીપમાં લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ, તેમજ ચીનમાં રમાયેલી એશિયન ગ્રાન્ડ પ્રિક્સ એથ્લેટિક મીટમાં પણ નીનાએ એક ગોલ્ડ, બે સિલ્વર મળી કુલ 3 મેડલ મેળવી ડંકો વગાડ્યો હતો. ત્યારે તેણીની આ સફળતાને લઈને રેલવે દ્વારા રૂપિયા 20 હજારનો રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. આગામી સમયમાં રેલવે દ્વારા નીનાને ખાતાકીય પ્રમોશન પણ આપવામાં આવનાર છે.
