નવી દિલ્હી,
સંસદ માં ચોમાસુ સત્ર આજથી શરુ થઇ રહ્યું છે. સંસદ ના ચોમાસુ સત્રમાં મોબ લિંચિંગ પર ચર્ચા માટે તૃણમુલ કોંગ્રેસે રાજ્યસભામાં નોટિસ આપી છે. આ મુદ્દા પર આરજેડી સાંસદ જેપી યાદવે લોકસભામાં અને માકપાના સાંસદ ડી રાજાએ રાજ્યસભામાં સ્થગન પ્રસ્તાવ નોટિસ આપી છે. સંસદના બંને સદનમાં કુલ 67 બિલ અટકેલા છે.
પીએમ મોદી પણ સંસદ પહોંચી ગયા છે. તેમણે જણાવ્યું કે, મને આશા છે કે સંસદનું કામ ખૂબ સરળતાથી ચાલશે. કોઈ પણ પક્ષને કઈ પણ તકલીફ હોય તો તેઓ ફ્લોર પર રજૂઆત કરી શકે છે. સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે.
રાજ્યસભાના નવા સાંસદ ક્લાસિકલ ડાન્સર સોનલ માનસિંગ, લેખક રાકેશ સિન્હા અને મૂર્તીકાર રઘુનાથ મોહપાતરાએ શપથ લીધા હતા.

તેમાં ટ્રિપલ તલાક, ભાગેડુ કાયદો અને મુસ્લિમ વિવાહ સંરક્ષણ બિલ સરકારના ટોપ એજન્ડામાં છે. 18 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી ચોમાસુ સત્ર ચાલશે. તેમાં 6 દિવસ રજા આવે છે. આમ, સરકાર પાસે મહત્વના બિલ પાસ કરાવવા માટે 18 દિવસ એટલે કે 198 કલાક છે.
મંગળવારે કોંગ્રેસની હેડ ઓફિસમાં વિપક્ષી દળની બેઠક બોલાવામાં આવી હતી. તેમાં સરકારને ઘેરવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. તેમાં અવિશ્વાસના પ્રસ્તાવ માટે 12 પક્ષોએ સહમતી દર્શાવી છે. ચોમાસુ સત્ર દરમિયાન જ રાજ્યસભામાં ઉપ-સભાપતિની ચૂંટણી થવાની છે.

સરકાર ભાગેડુ અપરાધ અધ્યાદેશ, વાણિજ્ય કોર્ટ સાથે જોડયેલો અધ્યાદેશ, અપરાધિક કાયદા અધ્યાદેશ, હોમિયોપેથિક કેન્દ્રીય પરિષદ અધ્યાદેશ, રાષ્ટ્રીય ખેલ વિશ્વવિદ્યાલય અધ્યાદેશ, નાદારી સંહિતા અધ્યાદેશ લાવવાની તૈયારીમાં છે. બીજી બાજુ ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પેન્ડિંગ છે. તેને પાસ કરાવું સરકારની પ્રાથમિકતા છે. સોમવારે જ કેન્દ્ર સરકાર તેના સંકેત આપી ચૂકી છે.
મહિલા આરક્ષણ, મોબ લિંચિંગ, પેટ્રોલ-ડિઝલની વધતી કિંમત, એસસી-એસટી એક્ટમાં ફેરફાર, અવિશ્વાસ પ્રસ્તાવ અને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર હોબાળાના અણસાર છે. બીજી બાજુ મહિલા આરક્ષણ બિલ વિશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સરકાર વચ્ચે સોમવારે જ સવાલ-જવાબ શરૂ થઈ ગયા હતા.
