ભીમા-કોરેગામ હિંસા માટે બે દિવસ પહેલા પાંચ આરોપીઓની ધરપકડ થયા બાદ, સરકારી વકીલે આજે ઘટસ્ફોટ કર્યો હતો કે પુણે પોલીસે એક પત્ર જપ્ત કર્યો છે જેમાં રાજીવ ગાંધી હત્યાકાંડ જેવી બીજી ઘટના ને અંજામ આપવાની વાત કરવામાં આવી છે. પત્રમાં પીએમ મોદીના રોડશોને નિશાન બનાવીને તેમની હત્યા કરવાનો પ્લાન સૂચવવામાં આવ્યો છે.
સરકારી વકીલ ઉજ્જ્વલા પવારે ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓની પોલીસ કસ્ટડીની માંગ કરતા પુણે કોર્ટને જણાવ્યું કે રોના જેકબ નામના આરોપીના લેપટોપમાંથી આ પત્ર મળી આવ્યો હતો. પત્રમાં મોદી-રાજ ખતમ કરવા માટેના નક્કર પગલાંઓના સૂચનો આપવામાં આવ્યા હતા.
પત્રમાં પીએમ મોદીના રોડશોને નિશાન બનાવવાની યોજના દર્શાવતા લખવામાં આવ્યું છે કે પીએમ મોદીના રોડશોને નિશાન બનાવવા, એક અસરકારક વ્યૂહરચના સાબિત થઇ શકે છે.

પત્રમાં આગળ લખવામાં આવ્યું હતું કે અમે રાજીવ ગાંધી પ્રકારની ઘટનાને અંજામ આપવાનું વિચારી રહ્યા છીએ. પુણે પોલીસે પકડેલા આરોપીઓના ઘરેથી પેન-ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક અને અન્ય કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કરી લેવામાં છે.
પુણેના સીપી રવીન્દ્ર કદમે જણાવ્યું કે અમે તેમની લીન્ક્સની તપાસ કરી રહ્યા છીએ અને તેમના કેટલાક સ્થળો પર દરોડા પણ પાડવામાં આવ્યા છે. રોના વિલ્સનના ઘરેથી અમે પેન-ડ્રાઈવ, હાર્ડ-ડિસ્ક અને બીજા કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે. રોના વિલ્સન અને સુરેન્દ્ર ગદ્લીંગના નક્સલીઓ સાથેના સંબંધોની પણ અમને જાણ થઇ છે. બાદમાં બીજા ત્રણ લોકો સાથેના તેમના સંબંધો વિશે અમને જાણ થઇ હતી. એ ત્રણ આરોપીઓની પણ ધરપક કરવામાં આવી છે. ગઈકાલે સવારે ધરપકડ કર્યા બાદ સુરેન્દ્ર ગદ્લીંગને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 8 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવવ્યો છે.
રવીન્દ્ર કદમે આગળ જણાવ્યું કે આરોપીઓ પાસેથી જે દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે, એ સાફ-સાફ દર્શાવે છે કે તેઓ કોઇને કોઇ રીતે હિંસા સાથે સંબંધ ધરાવે છે.
