Gujarat Rain Updates: ગુજરાતમાં સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાના મધ્ય બાદ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં વરસાદ ઓછો રહ્યા બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજા મહેરબાન થશે અને સુકાઈ રહેલા પાકને નવજીવન મળશે તેવી ખેડૂતોને આશા હતી. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 11 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સારા વરસાદની શક્યતા ઓછી છે.
કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચિંતા
વરસાદ ખેંચાતા કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદરના કેટલાક તાલુકાઓમાં ખેતી પર તેની અસર જોવા મળી રહી છે. ઘણા વિસ્તારોમાં પાકને પૂરતું પાણી ન મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જો આગામી દિવસોમાં પણ વરસાદ ન પડે તો પાકને વધુ નુકસાન થવાની ભીતિ છે.
જન્માષ્ટમીમાં પણ મેઘરાજાની રાહ (Gujarat Rain )
સાતમ-આઠમ દરમિયાન સામાન્ય રીતે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી(Gujarat Rain) માહોલ જોવા મળે છે. પરંતુ આ વર્ષે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પણ સારા વરસાદના કોઈ ખાસ સંકેતો નથી. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી દસેક દિવસ સુધી રાજ્યમાં વ્યાપક વરસાદની શક્યતા ઓછી છે. જોકે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં તાપમાન વધ્યું
વરસાદના(Gujarat Rain) અભાવ વચ્ચે રાજ્યમાં તાપમાનમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદમાં બુધવારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું, જે સામાન્ય કરતાં લગભગ 1.8 ડિગ્રી વધારે હતું. શ્રાવણ પૂર્ણ થવા સુધી પણ વરસાદનું જોર વધે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. ત્યારબાદ 12 સપ્ટેમ્બરથી ભાદરવા મહિનાની શરૂઆત થશે. લોકવાયકા મુજબ ‘ભાદરવો તપે અને કણબી ખપે’, એટલે કે ભાદરવાના આકરા તાપથી ખેડૂતોને મુશ્કેલી પડે છે.
આગામી દિવસો ખેડૂતો માટે મહત્વના
પહેલેથી જ વરસાદ(Gujarat Rain) ખેંચાતા અનેક વિસ્તારોમાં પાક સુકાવા લાગ્યો છે. હવે જો તાપમાનમાં વધુ વધારો થાય તો પાકની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. તેથી ખેડૂતોની નજર હવે ચોમાસાના બાકી રહેલા દિવસોમાં થનારા વરસાદ પર છે. બીજી તરફ, ભાદરવા મહિનામાં ક્યારેક આકરા તડકા બાદ ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતા રહેતી હોય છે. જો સમયસર સારો વરસાદ થાય તો પાકને રાહત મળી શકે છે. હવે ચોમાસાના અંતિમ દિવસોમાં મેઘરાજા કેટલી મહેર કરે છે તેના પર ખેડૂતોનું આખું વર્ષ નિર્ભર છે. વરસાદની સ્થિતિ માત્ર ખેતી જ નહીં, પરંતુ આગામી સમયમાં બજારમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ અને મોંઘવારી પર પણ અસર કરી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની ખેંચથી ખેડૂતો પર સંકટ! વિધાનસભામાં 116 નોટિસ, 10થી વધુ જિલ્લાઓમાં અછતની ચિંતા
આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસા વચ્ચે ઉકળાટ વધશે, ભારે વરસાદની શક્યતા નહિવત
આ પણ વાંચો:ગુજરાતમાં હળવા વરસાદની આગાહી વચ્ચે દુષ્કાળ જાહેર કરવાની માગ તેજ, ઉત્તર ગુજરાત માટે CMને પત્ર
