નવી દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશની માટે પોતાના નિર્ણયો, ભાષણોને લઈ ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે હવે તેઓ દ્વારા કરાયેલી વિદેશના દેશોની યાત્રા પર થયેલા ખર્ચને લઈને હવે તેઓ ચર્ચાના કેન્દ્રમાં છે. હાલમાં વિદેશ મંત્રાલય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાને લઈ એક આકંડો જાહેર કરવામાં આવ્યો છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ ૪.૫ વર્ષ સુધીમાં કુલ ૮૪ વિદેશી દેશોની યાત્રાઓ કરી છે અને આ પાછળ કુલ ૨૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
પીએમ મોદીની વિદેશ યાત્રામાં થયેલા ૨૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચમાં એર ઇન્ડિયાના વિમાનના મેન્ટેનન્સ પાછળ ૧૫૩૧.૧૮ કરોડ રૂપિયા, ચાર્ટડ ફ્લાઈટના ૪૨૯.૨૮ કરોડ રૂપિયા અને હોટલાઈન સેટઅપનો ખર્ચ ૯.૧૨ કરોડ રૂપિયા છે.
વિદેશ મંત્રાલય દ્વારા આ જાણકારી રાજ્યસભા સાંસદ બિનોય વિસ્વમ દ્વારા માંગવામાં આવી હતી અને આ તમામ માહિતી વેબસાઈટ પર આપવામાં આવી છે.
રાજ્યસભા સાંસદના જવાબ આપતા કેન્દ્રમાં વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહે જણાવ્યું, “પીએમ મોદીના ૪.૫ વર્ષના કાર્યકાળમાં તેઓએ ૮૪ વિદેશ યાત્રાઓ કરી છે અને જેમાં કુલ ૨૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
વડાપ્રધાન મોદીએ અત્યારસુધીમાં કરેલી વિદેશ યાત્રાની વાત કરવામાં આવે તો, તેઓએ પોતાની પ્રથમ યાત્રા ૧૫-૧૬ જૂનના રોજ ભૂટાનની હતી, આ દરમિયાન ૨ કરોડ રૂપિયાથી વધુ રૂપિયાનો ખર્ચ થયો હતો.