lifestyle :ચોમાસું આવતાની સાથે જ ઠંડક અને વરસાદ તો લાવે જ છે, પણ સાથોસાથ ઋતુજન્ય બીમારીઓ, મંદ પાચન તથા નબળી ઇમ્યૂન સિસ્ટમને પણ નિમંત્રણ આપે છે! આ ઋતુમાં, બીમાર પડતાની સાથે જ લોકોને વારંવાર દવાખાના ના ચક્કર લગાવવા પડી શકે છે તથા અનેક જાતની કડવી દવાઓને પેટમાં પધરાવવી પડે છે. અલબત્ત, આ દવાઓ અવશ્ય તમને સાજા તો કરી જ દે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા રસોડામાં જ એક એવી છૂપી ઔષધિ છે, જે ચોમાસામાં થતી ઋતુજન્ય બીમારીઓથી તમને છૂટકારો અપાવી શકે એમ છે? એ બીજુ કંઇ નથી, પણ એ છે કારેલાં! સ્વાદમાં ભલે ને એ કડવા હોય, પણ એના સેવનથી તમને અનેકાનેક સ્વાસ્થ્યલાભ થઇ શકે છે.
ચોમાસાની ઋતુ દરમિયાન, અનેક પોષક તત્વોથી ભરપૂર એવા કારેલાંનુ સેવન કરવું તમારા માટે અત્યંત આવશ્યક છે. એ તમને તંદુરસ્ત રહેવામાં, ઇન્ફેક્શન સામે લડવામાં અને તમારુ શુગર લૅવલ નિયંત્રિત કરવામાં ઘણી મદદ કરે છે. તો આવો જાણીએ કે, કારેલાને વિવિધરુપે તમારા આહારમાં સામેલ કરવાના જબરદસ્ત ફાયદાઓ કયા કયા છે?
1.ઇમ્યુનિટીને મજબૂત કરે છે
ચોમાસા દરમિયાન, અવારનવાર શરદી, ફ્લૂ અને જાત-જાતના ચેપ લાગવાની સંભાવનાઓ વધી જાય છે. કારેલામાં વિટામિન સી, ફ્લેવોનોઈડ્સ અને પોલીફેનોલ્સ જેવા પોષક તત્વો હોય છે, જે તમામ એન્ટિ-ઑક્સિડન્ટ્સના સ્વરુપમાં કામ કરે છે અને ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ કરે છે. આ તમામ સંયોજનો શરીરની રોગપ્રતિરોધક પ્રણાલીને મજબૂત બનાવે છે અને ઑક્સીડેટિવ સ્ટ્રેસને ઓછો કરવામાં મદદ કરે છે, જેનાથી બીમારીઓ દૂર રહે છે.
2. બ્લડ શુગરને નિયંત્રિત કરે છે
કારેલામાં ચારેન્ટીન, પૉલીપેપ્ટાઇડ-પી અને વિસિન જેવા બાયોએક્ટિવ સંયોજનો હોય છે, જે ઇન્સ્યુલિન ની નકલ કરે છે અને ઇન્સ્યુલિન સેન્સેટિવિટીમાં સુધારો કરવાનું કાર્ય કરે છે. ડાયાબિટીસ કે પ્રીડાયાબિટીસ ધરાવતા લોકો માટે કારેલાં વિશેષરુપે મદદકર્તા હોવા ઉપરાંત, બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવા માટેની એક કુદરતી બક્ષિસ છે
3. પાચન સુધારે છે અને બોડી ડિટૉક્સમાં સહાયક
કારેલામાં ફાઇબર અને પાણીની માત્રા ઘણી વધારે હોય છે, જેનાથી પાચનક્રિયામાં મદદ મળે છે અને કબજિયાત થતો અટકે છે. વળી, એનો કડવો સ્વાદ લિવરમાં થતા પિત્તના ઉત્પાદનમાં વૃદ્ધિ કરે છે, જેનાથી ફેટ્સનું પાચન અને શરીરનું ડિટૉક્સિફિકેશન સુવ્યવસ્થિત રીતે થાય છે.

4. ત્વચાને તંદુરસ્ત બનાવે છે
ચોમાસામાં વાતાવરણનો અત્યાધિક ભેજ ઘણીવાર ખીલ, ફંગલ ઇન્ફેક્શન અને ત્વચામાં બળતરા પેદા કરે છે. કારેલાના એન્ટિ-ઇન્ફ્લેમેટ્રી અને એન્ટિ-માઇક્રોબિયલ ગુણધર્મો રક્તશુદ્ધિ નું અને શરીરના સોજા ઓછા કરવાનું કાર્ય કરવામાં મદદ કરે છે, જેનાથી ત્વચા સ્વચ્છ અને તંદુરસ્ત રહે છે.
5. લિવરની તંદુરસ્તી અને ડિટૉક્સિફિકેશનમાં સહાયક
ચોમાસામાં ભારે ખોરાક ખાવાથી લિવર પર દબાણ આવે છે. આ સંજોગોમાં, કારેલાનો આહારમાં સમાવેશ કરીને ખાવાથી બાઈલ ડિસ્ચાર્જ(પિત્ત સ્ત્રાવ)ને ઉત્તેજન મળે છે અને તે લિવરની ડિટૉક્સિફિકેશન ની પ્રક્રિયાને વધુ સક્રિય બનાવે છે. આ ઉપરાંત, એના સંયોજનો લિવરના કોષોની રક્ષા અને એમના પુનરુત્પાદનને ઉત્તેજન આપવાનું કાર્ય કરવા માટે પણ સક્ષમ છે.
આ પણ વાંચો:આ વખતે શ્રાવણ ઉપવાસમાં ફલહારી સાબુદાણા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો, તમને પુષ્કળ ઉર્જા મળશે.
આ પણ વાંચો:શું તમે પણ ચોમાસામાં કોબીજ અને ફુલાવર ખાઓ છો? આ 5 ટિપ્સ અંદર છુપાયેલા જંતુઓ તરત જ દૂર કરશે

