નવી દિલ્હી,
૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮ને શુક્રવાર એટલે ભારતીય સેનાના જવાનો દ્વારા કરાયેલું ખાસ ઓપરેશન એટલે કે સર્જિકલ સ્ટ્રાઈક કે જેને આજે ૨ વર્ષ પૂર્ણ થયા છે. આજથી ૨ વર્ષ પહેલા એટલે કે ૨૮ – ૨૯ સપ્ટેમ્બરનો એ દિવસ કે જે આતંકવાદીઓના સેફ હેવન કહેવાતા પાકિસ્તાન માટે કાળ બનીને આવ્યો હતો.
આ ખાસ ઓપરેશન સાથે જ દુશમન દેશની સુખ – શાંતિ ગણતરીના કલાકોમાં જ સમાપ્ત થઇ ગઈ હતી અને તૌબા પોકારી ઉઠ્યો હતો.
Visuals from surgical strike footage of 29/9/2016 from Pakistan Occupied Kashmir (PoK). pic.twitter.com/rA0FiKu7wS
— ANI (@ANI) September 27, 2018
રાત્રે ૧૨ વાગ્યે શરુ થયું ઓપરેશન
આજથી બે વર્ષ પહેલા એટલે કે ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ રાતના ૧૨ વાગી રહ્યા હતા, ત્યારે MI-૧૭ હેલિકોપ્ટર દ્વારા ૧૫૦ કમાન્ડો LOC (લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ) પાસે ઉતારવામાં આવ્યા હતા. પૂંછથી એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર ધ્રુવ પર ૨૫ પેરા કમાન્ડો સવાર થઈને પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં દાખલ થયા હતા.
https://twitter.com/ANI/status/1045231995544952832
બંને દેશો વચ્ચેની નિયંત્રણ રેખા પાર કરીને હેલિકોપ્ટર દ્વારા આ જવાનોને એક સુમસામ જગ્યાએ ઉતારવામાં આવ્યા હતા. આ દરમિયાન ચારે બાજુ અંધારું અને અજાણી જગ્યાના કારણે જવાનો માટે ચોતરફ ખતરો મંડરાઈ રહ્યો હતો.

પરંતુ આ પડકારો બાદ પણ કમાન્ડો આગળ વધ્યા અને પાકિસ્તાનની સેના તરફ ફાયરિંગની આશંકા વચ્ચે અંદાજે ૩ કિલોમીટરનું અંતર કાપીને તેઓ અંદર પહોચ્યા.
પાક. સેના આ ઓપરેશન અંગે હતી અજાણ
આ વિસ્તારમાં દેશમાં આતંકી હુમલાઓ દ્વારા તબાહી મચાવનારા આતંકીઓના ઘણા કેમ્પ તેમજ તેઓના લોન્ચિંગ પેડ સ્થિત હતા, પરંતુ ભારતીય કમાન્ડો પોતાની આવડતના જોરે આ વિસ્તારમાં પહોચ્યા હતા, પણ પાકિસ્તાનને કોઈ આભાસ પણ થયો ન હતો.

ભારતીય સેના દ્વારા આ દરમિયાન કુલ ૬ કેમ્પો પર અટેક કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો, જેમાંથી ત્રણ કેમ્પોને પૂરી રીતે ક્ષતિગ્ર્રસ્ત કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાનમાં કરાયેલી આ ખાસ જવાબી કાર્યવાહી દરમિયાન ભારતીય કમાન્ડો M ૪ જેવી રાઈફલ, ગ્ર્રેનેડ, સ્મોક ગ્રેનેડથી લેસ હતા. સાથે સાથે તેઓ પાસે અન્ડર બેરલ ગ્રેનેડ લોન્ચર, રાતમાં જોઈ શકાય એવા નાઈટ વિઝન ડિવાઈસ તેમજ હેલ્મેટ માઉન્ટેડ કેમેરા હતા.
૩૮ આતંકીઓનો કરાયો ખાત્મો

સર્જિકલ સ્ટ્રાઈકના આ ઓપરેશન દરમિયાન કમાન્ડોએ કોઈ પણ મૌકો ગુમાવ્યા વગર આતંકીઓ પર ગ્રેનેડથી હુમલો કરી દીધો હતો. આ દરમિયાન એકદમ જ અફરાતફરીનો માહોલ સર્જાતા તેઓએ ગ્રેનેડથી સાથે ફાયરીંગ પણ શરુ કરી દીધી હતી. જોત જોતામાં કમાન્ડોએ ૩૮ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા, તેમજ પાકિસ્તાન સેનાના ૨ જવાનોને પણ ઠાર કરાયા હતા.

રાત્રે ૧૨.૩૦ વાગ્યે શરુ થયેલું આ ખાસ ઓપરેશન રાત્રે ૪.૩૦ વાગ્યે સમાપ્ત થયું હતું. બીજી બાજુ રાજધાની દિલ્હીમાં આ ઓપરેશનની તૈયારી સેનાના હેડક્વાર્ટરમાં રાતના ૮ વાગ્યાથી શરુ થઇ હતી.
રાત્રિ ડીનરના બહાને ઓપરેશન પર ચાપતી નજર
સર્જિકલ સ્ટ્રાઈકના આ ઓપરેશન પહેલા દિલ્હીમાં સાંજે કોસ્ટગાર્ડ કમાન્ડર કોન્ફરન્સનું ડીનર રાખવામાં આવ્યું હતું, જેમાં તત્કાલિન રક્ષા મંત્રી મનોહર પરિકર, NSA (નેશનલ સિક્યુરિટી એડવાઇઝર) અજિત ડોભાલ તેમજ તત્કાલિન સેના પ્રમુખ જનરલ દલબીર સિંહ સુહાગને જવાનું હતું.

જો કે આ ડીનરમાં જવાના બદલે તેઓ રાતે ૮ વાગ્યે સીધા જ સેનાના હેડક્વાર્ટરમાં તૈયાર કરાયેલા વોર રૂમમાં પહોચ્યા હતા. જો કે આ ઓપરેશન બાદ સેના પ્રમુખે જણાવ્યું હતું કે, સેના દ્વારા પોતાના વાયદાઓનું પાલન કરવામાં આવ્યું છે અને નક્કી કરાયેલી જગ્યા તેમજ સમય પર તેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે”.

રાતભર આ ખાસ ઓપરેશન પણ જેમાં તત્કાલિન રક્ષા મંત્રી મનોહર પરિકર, NSA (નેશનલ સિક્યુરિટી એડવાઇઝર) અજિત ડોભાલ તેમજ તત્કાલિન સેના પ્રમુખ જનરલ દલબીર સિંહ સુહાગ ઓપરેશન પર ચાપતી નજર બનાવીને બેઠા હતા. આ સમગ્ર ઓપરેશનની જાણકારી વડાપ્રધાનને મોદીને પણ આપવામાં આવી રહી હતી.
જો કે, આ સમગ્ર ઓપરેશનની ખાસ વાત એ હતી કે, સર્જિકલ સ્ટ્રાઈક અંગેની જાણકારી માત્ર ગણ્યા ગાંઠ્યા ઓફિસરોને જ હતી અને તમામ રીતે ગુપ્તતા જાળવવામાં આવી હતી.
૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ ઉરી કેમ્પ પર કરાયો હતો આતંકી હુમલો

મહત્વનું છે કે, કેન્દ્રની મોદી સરકાર અને ભારતીય સેના દ્વારા પાકિસ્તાન દ્વારા કરાઈ રહેલા સતત આતંકી હુમલાઓથી ત્રસ્ત થઈને આ ખાસ ઓપરેશન કરાયું હતું.
આ આતંકી હુમલાઓમાં ૧૮ સપ્ટેમ્બરના રોજ જૈશ- એ-મોહમ્મદના આતંકીઓએ જમ્મુ કાશ્મીરમાં ઉરી સેક્ટરમાં આવેલા આર્મીના સ્ટેશન પર હુમલો કરાયો હતો જેમાં ૧૯ જવાન શહીદ થયા હતા.
