નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી ફાઈટર પ્લેન રાફેલના સૌદા અંગે રાજકારણમાં ઘણો ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષી પાર્ટી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા સતત આ મામલે ભાજપ સરકાર અને પીએમ મોદી પાર નિશાન સાધવામાં આવી રહ્યું છે, જો કે આ વચ્ચે રવિવારે ફ્રાંસના ૩ રાફેલ ફાઈટર પ્લેન ભારત પહોંચી ચુક્યા છે.
ગ્વાલિયરમાં ત્રણ દિવસ રોકાશે રાફેલ પ્લેન

હકીકતમાં, ફ્રાંસની વાયુસેનાના ત્રણ રાફેલ પ્લેન ઓસ્ટ્રેલિયામાં એક આંતરરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસમાં શામેલ થવા માટે ગયા હતા અને ત્યારબાદ આ વિમાનો ભારત પહોચ્યા. આ ત્રણ રાફેલ ફાઈટર પ્લેન મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ત્રણ દિવસ રોકાશે, જ્યાં વાયુસેનાના પાઈલોટ આ પ્લેન પર ટ્રેનિંગ કરશે.
મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, “ઓસ્ટ્રેલિયામાં એક આંતરરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ફ્રાંસ અને ભારતની વાયુસેના શામેલ થઇ હતી. ફ્રાંસ દ્વારા આ સૈન્ય અભ્યાસમાં ત્રણ રાફેલ વિમાન શામેલ કર્યા હતા, જે હવે ભારત આવ્યા છે. જયારે ભારત દ્વારા સુખોઈ ૩૦ વિમાનને ઉતારવામાં આવ્યા હતા.
ભારતીય વાયુસેનાના પાઈલોટ ઉડાવશે રાફેલ ફાઈટર પ્લેન

રાફેલ વિમાનને લઇ ભારત અને ફ્રાંસ વચ્ચે એક સંયુક્ત અભિયાન શરુ કરાયું છે. આ અભિયાન હેઠળ ભારતીય વાયુસેનાના પાઈલોટ રાફેલ ફાઈટર પ્લેન ઉડાવશે જયારે ફ્રાંસની વાયુસેનનાના પાઈલોટ મિરાજ ૨૦૦૦ ફાઈટર પ્લેન પાર હાથ અજમાવશે.
આ સંયુક્ત અભિયાન સાથે જ ભારતીય વાયુસેનાના પાઈલોટને રાફેલ વિમાન ભારત આવતા પહેલા જ હાથ અજમાવવાનો એક સારો અનુભવ થશે.
ભારત અને ફ્રાંસ વચ્ચે થઇ છે ૬૦ હજાર કરોડ રૂપિયામાં ડીલ

મહત્વનું છે કે, ભારત અને ફ્રાંસ વચ્ચે ૬૦ હજાર કરોડ રૂપિયામાં ૩૬ રાફેલ ફાઈટર પ્લેનની ડીલ થઇ હતી. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં ૩૬ રાફેલ પ્લેન દેશમાં આવવાનું શરુ થશે.
ફ્રાંસ તરફથી ભારતને ૩૬ રાફેલ ફાઈટર પ્લેન ભારતને મળ્યા બાદ તેને બે સ્ક્વાડ્રનમાં વહેચવામાં આવશે. જેમાં એક સ્ક્વાડ્રનમાં પાકિસ્તાનના મુકાબલા માટે હરિયાણાના અંબાલામાં તૈનાત કરાશે જયારે બીજા સ્ક્વાડ્રનમાં ચીનને જવાબ આપવા માટે પશ્ચિમી બંગાળના હાશીમારામાં તૈનાત રાખવામાં આવશે.
