Ahmedabad News :અમદાવાદમાં શાળાઓથી લઈને ગુજરાત હાઇકોર્ટ, મેયર કચેરી, વિવિધ કોર્ટ સંકુલો અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb Threat)આપતા ઈમેઇલના મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આ ધમકીભર્યા સંદેશાઓના તાર પાકિસ્તાન અને બાંગ્લાદેશ (Pakistan Bangladesh Connection)સાથે જોડાયેલા હોવાની શક્યતા સામે આવી છે. આ મામલે પોલીસે બે અલગ-અલગ ગુના નોંધીને તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હેક કરવામાં આવેલા જૂના Gmail એકાઉન્ટનો ઉપયોગ ધમકીભર્યા ઈમેઇલ મોકલવા માટે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયામાં ટેલિગ્રામ અને વોટ્સએપનો ઉપયોગ થયો હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચ હવે ઈમેઇલ મોકલનાર વ્યક્તિઓ, ઉપયોગમાં લેવાયેલા એકાઉન્ટ્સ અને વિદેશી કનેક્શન સહિતનાં પાસાંઓની તપાસ કરી રહી છે.
અમદાવાદમાં બોમ્બ ધમકીના બે કેસ નોંધાયા
પ્રથમ ઘટના 7 ઓક્ટોબરની છે. પોલીસના જણાવ્યા અનુસાર, અજાણ્યા ઈ-મેઇલ આઇડી પરથી મોકલવામાં આવેલા સંદેશામાં ખાલિસ્તાન સમર્થક સંગઠનોનાં નામનો ઉપયોગ કરીને અમદાવાદ અને દિલ્હી સહિતનાં સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી (Bomb Threat)આપવામાં આવી હતી. આ ઈ-મેઇલના આધારે શાળાઓ, ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court), મેટ્રો કોર્ટ, ઘીકાંટા કોર્ટ, જિલ્લા સેશન્સ કોર્ટ અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સહિત કુલ 16 સ્થળો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ મામલે સાયબર ક્રાઇમ (Ahmedabad Cyber Crime)પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને આઇટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.
27 ઓક્ટોબરે ફરી 19 સ્થળોને ધમકી
બીજી ઘટના 27 ઓક્ટોબરે સામે આવી હતી. આ વખતે મળેલા ઈ-મેઇલમાં અમદાવાદની શાળાઓ, સરકારી કચેરીઓ, કોર્ટ, મેટ્રો સ્ટેશન અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસની પ્રેસનોટ પ્રમાણે, આ ઈ-મેઇલમાં કુલ 19 સ્થળોનો ઉલ્લેખ હતો.
આ મામલે પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અલગ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સંબંધિત સ્થળોની મુલાકાત લઈને ઈ-મેઇલના ટેકનિકલ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ઈ-મેઇલના ઉપયોગની આશંકા
પોલીસે ઈ-મેઇલના હેડર અને જીમેઇલ સંબંધિત માહિતી મેળવી પ્રાથમિક તપાસ કરતાં કેટલાક ઈ-મેઇલ એકાઉન્ટ બાંગ્લાદેશ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. બીજા કેસમાં બાંગ્લાદેશના રંગપુર અને પાકિસ્તાનના લાહોરથી ઈ-મેઇલ એકાઉન્ટનો ઉપયોગ થયો હોવાની માહિતી મળી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.
પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે, અગાઉ ઉપયોગમાં લેવાયેલા અથવા હેક કરાયેલા ઈ-મેઇલ એકાઉન્ટ મેળવીને ધમકીભર્યા સંદેશા મોકલવામાં આવ્યા હોવાની શક્યતા છે. આ કનેક્શન અંગે તપાસ ચાલુ છે.
જૂના ઈ-મેઇલ એકાઉન્ટ વેચવાના નેટવર્કની તપાસ
પોલીસે અગાઉ ખાલિસ્તાન સંગઠનોનાં નામે અપાયેલી સમાન ધમકીઓના કેસની તપાસનો પણ ઉલ્લેખ કર્યો છે. તે તપાસ દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે હેક કરાયેલા જીમેઇલ એકાઉન્ટ બાંગ્લાદેશમાં રહેતી વ્યક્તિને વેચવામાં આવ્યા હતા. ત્યારબાદ આ એકાઉન્ટ પાકિસ્તાનમાં અન્ય વ્યક્તિ સુધી પહોંચતા હોવાની માહિતી મળી હતી. આ વ્યવહારમાં ક્રિપ્ટોકરન્સી મારફતે ચુકવણી થતી હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, તહેવારો અથવા મહત્ત્વપૂર્ણ કાર્યક્રમો પહેલાં લોકોમાં ભય અને ગભરાટ ફેલાવવાના હેતુથી આ પ્રકારના ઈ-મેઇલ મોકલવામાં આવતા હોવાની આશંકા છે. આ સમગ્ર નેટવર્ક અંગે કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલન કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
