New Delhi News : પડોશી દેશ નેપાળમાં ફરી એકવાર કોમી હિંસાએ માથું ઊંચક્યું છે. ભારતની સરહદે આવેલા નેપાળ (Nepal) ના પારસા અને ધનુષા જિલ્લાઓમાં હિંસક ઘટનાઓ સામે આવતા સમગ્ર વિસ્તારમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા ભારત-નેપાળ સરહદને તાત્કાલિક સીલ કરી દેવામાં આવી છે.
ધનુષા જિલ્લાના સખુવા મારન વિસ્તારમાં આવેલી એક મસ્જિદમાં તોડફોડની ઘટનાના પગલે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કોમી લાગણીઓ ભડકી ઉઠી અને હિંસક વિરોધ પ્રદર્શન શરૂ થયા.
દક્ષિણ નેપાળ (Nepal) સાથેની ભારતીય સરહદ પણ બંધ કરવામાં આવી

પારસા જિલ્લાના બિરગંજ વિસ્તારમાં હિંસક ભીડને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. પારસા જિલ્લો બિહારના રક્સૌલ જિલ્લાની સરહદે આવેલો હોવાથી સરહદ પારની અવરજવરને રોકવા દક્ષિણ નેપાળ (Nepal) સાથેની ભારતીય સરહદ પણ બંધ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
નેપાળ (Nepal) પોલીસના જણાવ્યા અનુસાર, ધનુષાના સખુવા મારન વિસ્તારમાં લોકોના એક જૂથે મસ્જિદમાં તોડફોડ કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હિંદુ સમુદાય વિરુદ્ધ નફરતભર્યા ભાષણો શરૂ થયા. સોશિયલ મીડિયા પરથી ફેલાયેલા ઉશ્કેરણીજનક સંદેશાઓના કારણે મુસ્લિમ યુવાનો દ્વારા હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા.
પોલીસની કાર્યવાહી
ધનુષા જિલ્લામાં પ્રદર્શનકારીઓએ રસ્તાઓ પર ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો. સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરતા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો, જેના જવાબમાં પોલીસે ટીયર ગેસના શેલ છોડીને ભીડને વિખેરી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે.
