કાયદો/ હિટ એન્ડ રનનો નવો કાયદો હાલ પૂરતો સ્થગિત, ટ્રાન્સપોર્ટ એસોસિયેશને ટ્રક ડ્રાઈવરોની હડતાળ ખેંચી પાછી

હિટ એન્ડ રનનો નવો કાયદો હાલ પુરતો સ્થગિત  કરવામાં આવ્યો છે, ટ્રાન્સપોર્ટ એસોશિયેશને ટ્રક ડ્રાઈવરની હડતાળ પાછી ખેંચી લીધી છે,  કેન્દ્રીય ગૃહ સચિવના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે

Top Stories India
  • હિટ એન્ડ રનનો નવો કાયદો હાલ પૂરતો સ્થગિત
  • ટ્રાન્સપોર્ટ એસોસિયેશને ટ્રક ડ્રાઈવરોની હડતાળ પાછી ખેંચી
  • કેન્દ્રીય ગૃહ સચિવના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં નિર્ણય
  • કેન્દ્ર સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે થયું સુખદ સમાધાન
  • હિટ એન્ડ રન કેસના નવા કાયદાને હાલ લાગુ નહીં કરાય
  • દેશભરમાં ટ્રક ડ્રાઇવરોને કામે લાગી જવા અપાઈ સલાહ

હિટ એન્ડ રનનો નવો કાયદો હાલ પુરતો સ્થગિત  કરવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ એસોશિયેશને ટ્રક ડ્રાઈવરની હડતાળ પાછી ખેંચી લીધી છે.  કેન્દ્રીય ગૃહ સચિવના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે  દેશભરના છેલ્લા ત્રણ-ચાર દિવસથી ટ્રક ડ્રાઇવરો ઠેર ઠેર રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં સરકાર દ્વારા સંગઠનને ખાતરી આપવામાં આવી છે કે હાલમાં નવા કાયદાનો અમલ કરવામાં આવશે નહીં અને જ્યારે પણ તેનો અમલ થશે ત્યારે સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે.

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે હિટ એન્ડ રનને લઇને નવો કાયદો બનાવ્યો છે, જેની હેઠળ જો કોઇ ટ્રક કે ડમ્પર ચાલક કોઇને કચડીને ભાગે છે તો તેને 10 વર્ષની જેલની સજા થશે. આ સિવાય 7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. પહેલા આ કેસમાં કેટલાક દિવસમાં આરોપી ડ્રાઇવરને જામીન મળી જતા હતા. જોકે, આ કાયદા હેઠળ પણ બે વર્ષની સજાની જોગવાઇ હતી પરંતુ નવો કાયદો લાગુ થયા પછી દોષિતને 10 વર્ષ જેલમાં રહેવું પડશે. જોકે, ઘાયલને હૉસ્પિટલ પહોંચાડવા પર કેટલીક છૂટ આપવામાં આવી શકે છે. ટ્રક અને ડમ્પર ચાલકો આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી દૂર્ઘટના થવા પર ડ્રાઇવરો વિરૂદ્ધ આઇપીસીની કલમ 279 એટલે કે બેદરકારીથી વાહન ચલાવવા, 304એ એટલે કે બેદરકારીથી મોત અને 338 એટલે જીવને જોખમમાં મુકવા બદલ કેસ નોંધવામાં આવતો હતો પરંતુ નવા કાયદામાં ઘટનાસ્થળેથી ફરાર થનારા ડ્રાઇવર વિરૂદ્ધ 104 (2) હેઠળ કેસ નોંધવામાં આવશે. પોલીસ કે મેજિસ્ટ્રેટને જાણ ના કરવા પર તેને 10 વર્ષની જેલની સજાની સાથે દંડ પણ ભરવો પડશે.