૨૦૧૨ના વર્ષમાં થયેલા નિર્ભયા કેસના આરોપીઓને તેમના કુકર્મોની સજા મળવા જઈ રહી છે. જે દેશમાં સ્ત્રી સન્માન અને કુટુંબ વિભાવના દ્રઢીભૂત થયેલી હોય તે દેશમાં સરેઆમ નારીઓનું ભયાનક અપમાન કેવી રીતે સાંખી લેવાય? ભયાનક માનસિક વિકૃતિ અને સેકસ મેનીયાકને કારણે સ્ત્રીઓ પર રેપના કેસો વધી રહયા છે. ઇન્ટરનેટ અને સોશ્યલ મીડીયા દ્વારા ફેલાવવામાં આવતા મેસેજો આજની ટીનએજરોને ભારે પ્રભાવિત કરે છે.

મુકત સમાજ અને સ્વતંત્રતાને નામે સ્વછન્નતા જ હાવી થઇ રહી હોય તેવું લાગે છે. આવા કૃત્યો કરતી વેળાએ તેઓ સમાજનો કાયદાનો કે સરકારની પરવા કરતા નથી. અને બહેકાઇને આવા કૃત્યોને અંજામ આપે છે. કરૂણતાની ચરમસીમા એ છે કે, આવો રેપનો ભોગ બનનાર છોકરીની હત્યા કરવામાં આવે છે. અગરતો તો તેને જીવતી ભૂંજી નાંખવામાં આવે છે. આવા માનસિક રીતે વિકૃત યુવાઓને યૌન પીડનથી પિડાતી સ્ત્રીની વેદનાની રતીભર પણ પરવા હોતી નથી. વિદેશમાં રેપના કિસ્સાઓમાં કરવામાં આવતી ભયાનક સજાઓનો થોડો ઘણો અમલ પણ કરવામાં આવે તો યુવાઓ સતેજ બનશે અને આવા કાળા કૃત્યો કરતા ડરશે.

નિર્ભયાની માફક જ જયારે દેશની હજારો સ્ત્રીઓ પર વ્યકિતગત કે સામુહિક બળાત્કારના કિસ્સાઓ બને છે ત્યારે તે યુવાઓને એ વાતનો ખ્યાલ નથી કે તેઓને કેટલી ભયાનક સજા મળશે. તેઓ કાયદો સમાજ કે સરકારની ઐસી કી તૈસી કરીને આવા કૃત્યોને અંજામ આપે છે અને પછી પોલીસના હાથે પકડાયા પછી તેઓને આવા કૃત્યો કર્યા પછીની ભયાનકતાનો ખ્યાલ આવે છે. તેઓ પોતે કાં તો આયોજન બધ્ધ રીતે તેમના નાપાક કૃત્યોને અંજામ આપે છે અથવા તો તેઓ અકસ્માતે જ આવા કૃત્યો કરે છે.

કોઇપણ રાજયમા કે કોઇપણ શહેરમાં નિર્ભયપણે સ્ત્રી રાત્રે પણ ફરી શકે તેવું તંદુરસ્ત અને આદર્શ વાતાવરણનું સર્જન થવું જ જોઇએ. સ્ત્રીઓ પણ પોતાના ઘંધા-રોજગારને લઇને જયારે સમાજને કે દેશને અર્થોપાર્જનમાં ફાળો આપતી હોય ત્યારે આવા ભયાનક કૃત્યો થવા ન જ જોઇએ. હૈદરાબાદની ડોકટર સ્ત્રીના હત્યારાઓને તેમના કુકર્મોની સજા મળી જ ગઇ અને એ પણ ગણતરીના દિવસોમાં!
સ્ત્રીની પીડાની વાત જ કરી શકાય તેમ નથી. પણ રેપ કરનાર તમામ રેપીસ્ટો જયારે કોઇ મદહોશ કે બહેકીને આવા કૃત્યને અંજામ આપે છે ત્યારે તેઓની મનોસ્થિતિ વિચલીત જ હોય છે. આવા કૃત્યો કર્યા પછી જયારે પોલીસના હાથે પકડાય છે ત્યારે મોટા ભાગના આરોપીઓએ તેમની જીંદગીમાં સૌ પ્રથમ વખત જ આવું માફ કરી ન શકાય તેવા કાર્યને અંજામ આપ્યો હોવાથી ગભરાઇ ઉઠે છે. તેઓને હવે ભયાનકતાનું ભાન થાય છે. માનસિક અને શારીરીક રીતે તદન ભાંગી નાંખતી પોલીસ પૂછપરછમાં તેઓ પોપટની માફક કબુલાત કરી લે છે.

રેપના કેસની ગંભીરતાને જોતાં આવા આરોપી યુવાઓની સાથે કોઇ જ હોતું નથી. ત્યારે તેઓ સંપૂર્ણરીતે ખતમ જ થઇ જાય છે. તેઓ હવે મૃત્યુના સાક્ષાત દર્શન કરે છે. તેઓ ફાંસીનો માંચડો જ રાત દિવસ નિહાળે છે. તેઓની મનોવેદના બહુ જ ભયંકર હોય છે પણ કમનસીબે, આ સમજનાર કોઇ હોતું નથી. તેઓના માતા-પિતા, ભાઇ બહેન, સગાસંબધીઓ, મિત્રો સહીત તેઓ સામાજીક રીતે તદન બહિષ્કૃત થઇ જાય છે.
આજના યુવાઓને નિર્ભયાના આરોપીઓ પાસેથી બહુ જ મોટી શીખ લેવાની જરૂર છે. સ્ત્રી સન્માન જાળવવું અને સ્ત્રીઓને રાત્રીના સમયે પણ રક્ષણ પુરુ પાડીને સુખરૂપ તેઓને તેમના નિવાસસ્થાને પહોંચાડવાની જવાબદારી વહન કરવી પડશે. સ્ત્રીનું ઔદાર્ય જાળવવું જ પડશે.
બળાત્કાર, અપહરણ જેવા ઘાતકી અને સમાજવિરોધી કૃત્યો બનતા અટકે અને તેનું નિર્મૂલન થાય તો જ તંદુરસ્ત સમાજની રચના થશે તે નકકી છે.
લેખક : મલય ભટ્ટ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
