ahmedabad News : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરખા ગામમાં વરસાદી પાણી ઘૂસી જતાં સમગ્ર વિસ્તાર મુશ્કેલીમાં મુકાયો છે. ગામનું તળાવ ઓવરફ્લો થતાં રસ્તાઓ પર કેડસમું પાણી ભરાઈ જતાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.
રસ્તાઓ પર આવ્યું પાણી
આહવાકુવા, વણકરવાસ, રબારી વાસ, ઠાકોર વાસ અને બલિયા દેવ મંદિર જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો માટે ચાલવું-ફરવું મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને શાળાએ જતાં બાળકો અને વૃદ્ધોને ઘૂંટણ સમા પાણીમાં પસાર થવું પડી રહ્યું છે.
માલધારીઓને ભારે હાલાકી
ગામના માલધારીઓ માટે પરિસ્થિતિ વધુ કપરા બની છે. પશુઓને બાંધવામાં, ઘાસચારો સાચવવામાં અને રોજિંદા કામકાજમાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. ઘરોની આગળ તળાવનું ગંદુ પાણી ભરાઈ જતાં સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો ઉભા થયા છે.
દેશી દારૂની થેલીઓથી રોષ
સ્થાનિક લોકોમાં વધુ રોષ ત્યારે ફેલાયો જ્યારે પાણીમાં દેશી દારૂની ખાલી થેલીઓ તણાઈ આવી. આ દૃશ્યે ગામજનોમાં અસમાધાન ફેલાવ્યું છે. લોકોનું કહેવું છે કે તંત્રે આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા જોઈએ, નહીં તો સમસ્યા વધુ ગંભીર બની શકે છે.
ગામજનોની માંગ
ગામના રહીશો તાત્કાલિક નિકાલ વ્યવસ્થા સુધારવા તેમજ તળાવનું જળસ્તર નિયંત્રિત કરવા તંત્રને અપીલ કરી રહ્યા છે. તેમની માગ છે કે આવનારા સમયમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે કાયમી ઉકેલ શોધવામાં આવે.
બદરખા ગામમાં સર્જાયેલી આ પરિસ્થિતિએ સ્પષ્ટ કર્યું છે કે વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા ન હોવાથી લોકોની હાલત કફોડી બની રહી છે. હાલ ગામજનો તંત્રની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેને આ મુશ્કેલીમાંથી મુક્તિ મળે.
આ પણ વાંચો:તરણેતરના મેળાની ભાતીગળ સંસ્કૃતિને જોખમાવતો અશ્લીલ ડાન્સ, તપાસના ચક્રો ગતિમાન
આ પણ વાંચો:ગુજરાતમાં તરણેતરનો મેળો શરૂઃ મેળા શોખીનોનો થશે જમાવડો
