home deparment/ SIMIની ગતિવિધી પર હવે રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ કરી શકે છે કાર્યવાહી,મોદી સરકારે આપી વિશેષ સત્તા

કેન્દ્ર સરકારે હાલમાં જ UAPA હેઠળ  સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI) પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો હતો

Top Stories India

કેન્દ્ર સરકારે હાલમાં જ UAPA હેઠળ  સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI) પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો હતો.  હવે ગૃહ મંત્રાલયે કેન્દ્રશાસિત પ્રદેશ અને રાજ્ય સરકારને વિશેષ સત્તા આપી છે.  જે હવે UAPA હેઠળ આ સંગઠનને ગેરકાયદેસર જાહેર કરી શકે છે. ગયા મહિનાના અંતમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નવો આદેશ જારી કરીને પહેલાથી જ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સિમી પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો હતો. યુએપીએ કાયદા હેઠળ સિમી વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલયે ટ્વિટર પર આ અંગેની માહિતી શેર કરી હતી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ અભિગમને અનુરૂપ ‘સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા’ને આગામી પાંચ વર્ષ માટે UAPA હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સિમી ભારતની સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતાને જોખમમાં નાખવા, આતંકવાદને પ્રોત્સાહન આપવા, શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે સિમીની સ્થાપના ઉત્તર પ્રદેશના અલીગઢમાં 25 એપ્રિલ 1977ના રોજ   થઈ હતી. મોહમ્મદ અહમદુલ્લા સિદ્દીકી આ સંસ્થાના સ્થાપક પ્રમુખ હતા. સિમી સંગઠનનું મિશન ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનું છે.2001માં અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન સિમી પર પહેલીવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2008માં સ્પેશિયલ ટ્રિબ્યુનલ દ્વારા પ્રતિબંધ હટાવવામાં આવ્યો હોવા છતાં, રાષ્ટ્રીય સુરક્ષાના આધારે તત્કાલીન ચીફ જસ્ટિસ કે.જી. બાલક્રિષ્નન દ્વારા 6 ઓગસ્ટ 2008ના રોજ પ્રતિબંધને પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. સિમી પર છેલ્લે 31 જાન્યુઆરી, 2019ના રોજ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.