Lifestyle: ગણેશોત્સવ (Ganeshotsav)એટલે ભક્તિ અને શ્રદ્ધાનો મહોત્સવ! ગણેશ ચતુર્થી 2025 (Ganesh Chaturthi 2025)ના આ પાવન તહેવારે દસ દિવસ સુધી બાપ્પાના ભક્તજનોમાં અનેરો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ગણપતિની પૂજા દરમિયાન ભક્તો એમને ભાત-ભાતના પ્રસાદ ધરાવીને રીઝવતા હોય છે. આમ જોઇએ તો, મોદક (Modak) એમનો અતિ પ્રિય પ્રસાદ ગણાય છે પરંતુ, ગણેશોત્સવના દસ દિવસ દરમિયાન તમે વિવિધ વ્યંજનો બનાવીને ગણપતિને અર્પણ કરી શકો છો. અહિં અમે તમને દૂધથી બનેલા પાંચ વ્યંજનોની રેસિપી જણાવવા જઇ રહ્યાં છીએ જેમને બનાવવાનું ઘણું જ સરળ છે અને એમના સ્વાદથી આ પર્વ ઓર મધુર બની જશે.
બુધવારના રોજ 27 મી ઑગષ્ટે, આખા દેશમાં ગણેશ ચતુર્થીના તહેવારને ખૂબ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો. ઘણા બધા લોકોએ પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના પણ કરી છે. આ પર્વ આનંદ-ઉલ્લાસનું પર્વ છે અને લોકો તમામ વિધિ-વિધાનનું યથાશક્તિ પાલન કરતા જોવા મળે છે. ભક્તજનો દ્વારા, દરરોજ ગણપતિદાદાની ભક્તિભાવપૂર્વક પૂજા, આરતી અને ભજન કરવા ઉપરાંત, બાપ્પાને રીઝવવા માટે ભાત-ભાતના પ્રસાદ પણ ધરાવવામાં આવે છે.
આમ જોઇએ તો, મોદક ગણપતિનો અતિ પ્રિય પ્રસાદ ગણાય છે પણ દસ દિવસ દરમિયાન, તમે દૂધમાંથી બનેલા વિવિધ વ્યંજનો બનાવીને પણ એમને અર્પણ કરી શકો છો. એવી કેટલીય સ્વાદિષ્ટ મીઠાઈઓ અને પીણા છે જેમને તમે પ્રસાદના સ્વરુપમાં ગણપતિદાદાને અર્પણ કરી શકો છો. એમાંયે ખાસ કરીને, આ ઋતુમાં દૂધમાંથી બનેલા પેય પદાર્થો સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ ગણાય છે. આથી બાપ્પાને ધરાવીને તેમના પ્રસાદના સ્વરુપે એમને અવશ્ય ગ્રહણ કરવા જોઇએ.
અહિં અમે તમને દૂધથી બનેલા પંચ પ્રસાદ (Panch Prasad)ની રેસિપી જણાવવા જઇ રહ્યાં છીએ જેમને ઘરે બનાવવાનું ઘણું જ સરળ છે અને આ પ્રસાદના સ્વાદથી આ પર્વ ઓર મધુર બના જશે.
1. પંચામૃત
તમામ પ્રસાદમાંથી પંચામૃત (Panchamrut)ને સૌથી પવિત્ર માનવામાં આવે છે, જે પાંચ વસ્તુઓથી બને છે. પંચામૃતમાં સમાવિષ્ટ પાંચેય સામગ્રી ભક્તિ, સમૃદ્ધિ અને પવિત્રતાનું પ્રતીક છે. દૂધ, દહીં, ઘી, મધ અને સાકર આ પાંચ વસ્તુઓને મેળવીને આ પ્રસાદ તૈયાર કરી શકાય છે.

2. પીયૂષ
આ એક પ્રકારનું ઘટ્ટ, મલાઇદાર અને મધુર એવું, મૂળ મહરાષ્ટ્રીયન વ્યંજન છે. શ્રીખંડ સાથે દૂધ અને છાશને મિક્સ કરીને પીયૂષ (Piyush) તૈયાર કરવામાં આવે છે. એમાં ઇલાયચી અને જાયફળ મિક્સ કરવાથી એનો સ્વાદ ઓર વધી જાય છે.
3. કેસર-બદામવાળું દૂધ
આ એક સ્વાસ્થ્યવર્ધક પીણું છે, જેને બનાવવા માટે દૂધ (Milk)માં બદામ, ઇલાયચી, કેસર, ખડી સાકર, ચપટી જાયફળ અને થોડો કાળા મરીનો ભૂકો મિક્સ કરવામાં આવે છે અને ઉકાળીને ઠંડુ કરવામાં આવે છે.

4. રબડી
દૂધને, ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળ્યાં કરીને તૈયાર કરવામાં આવતી આ એક મીઠાઈ છે. રબડી(Rabdi)ને એકદમ લચ્છેદાર બનાવવા માટે તમે એમાં થોડો કસ્ટર્ડ પાઉડર પણ મિક્સ કરી શકો છો. ઇલાયચી, કેસર તથા ચપટી જાયફળ નાખવાથી એનો સ્વાદ અને સુગંધ ઓર વધી જાય છે.
5. ઠંડાઈ
ઠંડાઈ બનાવવા માટે બદામ, વરિયાળી, થોડા કાજુ, ઇલાયચી અને ચપટી કાળા મરીનો પાઉડર બનાવીને દૂધમાં મિક્સ કરવામાં આવે છે. ગુલાબની પાંદડીઓથી સજાવેલી ફ્રેશ ઠંડાઈ (Thandai) બનાવીને ધરાવવાથી ગણેશજી અતિ પ્રસન્ન થઇ જશે!
આ પણ વાંચો:ગણેશોત્સવ ક્યારે મનાવવામાં આવશે? જાણો સાચી સ્થાપના વિધિ અને શુભ મુહૂર્ત…
આ પણ વાંચો:બુધવારે કરજો આ 5 ઉપાય, ગણેશજી દૂર કરશે તમારા તમામ વિઘ્નો
