દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ… સુરેન્દ્રનગર
ગુજરાત રાજયમાં કોરોનાની મહામારી ચાલુ છે, તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં કારોના સંક્રમણને ધ્યાને લઇ જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા દ્રારા વઢવાણ કોઠારીયા રોડ પર આવેલ સી.યુ.શાહ હોસ્ટેલમાં ૧૫૦ બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. જેમાં કોરોના પોઝીટીવ દર્દીને સારવાર આપવામાં આવી રહી છે.

આ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં સી.યુ.શાહ ટ્રસ્ટ દ્રારા આરોગ્ય શાખાને વિનામૂલ્યે બિલ્ડીંગ સુપરત કરેલ છે, તેમજ તમામ પ્રકારનુ ઇલેકટ્રીક કામ પણ કરાવી આપેલ છે. સુરેન્દ્રનગર નગરપાલિકા દ્રારા આ બિલ્ડીંગની સાફ સફાઇ અને સમાર કામની સાથે બાથરૂમ બનાવવામાં આવેલ છે. આ કોવિડ કેર સેન્ટરમાં ગાદલા સુરેન્દ્રનગર મંડપ એસોસીએશન દ્રારા પુરા પાડવામાં આવેલ છે. બેડશીટ માટે રોટરી કલબ દ્રારા સેવા મળેલ છે, આ ઉપરાંત દર્દીને ઓઢવા માટે ચાદર શકિતમાન રોટેવીટર-રાજકોટ તરફથી અને એમ્બ્યુલન્સ સેવા લાયન્સ કલબ, સુરેન્દ્રનગર દ્રારા આપવામાં આવેલ છે. દર્દીઓ માટે પ્રાથમિક કીટ(ટયુબ,બ્રસ,સાબુ અને તેલ) પાવરટેક ગ્રુપ દ્રારા આપવામાં આવેલ છે. તેમજ દર્દી તથા સ્ટાફ માટે નાસ્તો તથા જમવાની વ્યવસ્થા સુરેન્દ્રનગર ઇસ્માઇલી સમાજ દ્રારા કરવામાં આવેલ છે. આ સેન્ટરમાં મેડીકલ ટીમ તરીકે ડો.જયેશ રાઠોડ, ડો.નયન સાપરા અને ડો.જસ્મીન રાવલના માર્ગદર્શનમાં દર્દીઓને સારવાર આપવામાં આવે છે.
ઉપરોકત સમગ્ર કોવિડ કેર સેન્ટરનું મોનિટરીંગ જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. હુડ્ડાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણીકુમાર દ્રારા કરવામાં આવી રહ્યુ છે. આ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં સહકાર આપેલ સી.યુ.શાહના ટ્રસ્ટી ડો.જીતુભાઇ સંઘવી, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય, કારોબારી ચેરમેન મનહરસિહ રાણા, ચીફ ઓફીસર સંજયભાઇ પંડયા, રોટરી કલબના ડો.સિધ્ધેસ વોરા, લાયન્સ કલબના પ્રશાંતભાઇ વ્યાસ, હસુભાઇ ગોહીલ-શકિતમા રોટેવીટર, કિશોરસિહ રાણા-પાવર ટેક, અકબરભાઇ તથા અજીતભાઇ – ઇસ્માઇલી સમાજ દ્રારા ખુબજ સહકાર મળેલ. આ કોવિડ કેર સેન્ટરને કાર્યરત કરવા જિલ્લા આરોગ્ય ટીમના ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કોર્ડીનેટર દેવાંગ રાવલ સહિતના આરગ્યકર્મીઓ દ્રારા જહેમત ઉઠાવી હતી.
