Botad News: ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે સાળંગપુરમાં ચાલતી ભાજપ કારોબારીની બેઠકમાં અપેક્ષા મુજબ જ જણાવ્યું છે કે મને પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે. મને કેન્દ્રીય જળપ્રધાનનો હોદ્દો મળ્યો હોવાથી પક્ષમાં એક વ્યક્તિ એક હોદ્દાના નિયમનું પાલન કરવામાં આવે. તેની સાથે રાજ્યમાં પક્ષપ્રમુખની જવાબદારી બીજાને સોંપવામાં આવે તેવી હું પક્ષને વિનંતી કરું છું. પાટિલના આ નિવેદનના પગલે ભાજપમાં આગામી પક્ષપ્રમુખની નિમણૂકની માર્ગ મોકળો થઈ ગયો છે.
ગુજરાત ભાજપમાં વર્તમાન પ્રમુખ સી.આર. પાટિલને કેન્દ્રીય મંત્રી બનાવવાની સાથે ગુજરાત ભાજપમાં હવે નવા પ્રદેશ પ્રમુખ નીમવાની કવાયત તેજ થઈ ગઈ છે. તેની સાથે ગુજરાત ભાજપના સંગઠનના માળખામાં પણ કેટલાક ફેરફારો થઈ શકે છે. સી.આર. પાટિલે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયનો હવાલો સંભાળવાની સાથે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ નીમાશે તે સ્પષ્ટ થઈ ગયું છે.
ગુજરાતમાં સાળંગપુર ધામ ખાતે પ્રદેશ કારોબારીની વિસ્તૃત બેઠક ચાલી રહી છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના અધ્યક્ષ પદ હેઠળ યોજાયેલી બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને સરકા તથા સંગઠનને સક્રિય રાખવાના હેતુથી વિસ્તૃત ચર્ચા કરી નવા કાર્યક્રમો જાહેર કરવામાં આવશે. આ જ બેઠકમાં નવા પ્રદેશ પ્રમુખ જાહેર થાય તો પણ નવાઈ નહીં લાગે.
સાળંગપુર ધામમાં ચાલતી બેઠકમાં કેન્દ્રીય વાણીજ્ય મંત્રી પીયૂષ ગોયેલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપરાંત કુલ 1,300 આગેવાનો ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં ભાજપના હોદ્દેદારો, તમામ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, સેલના સંયોજકો, કારોબારી સભ્યો, મહાનગરપાલિકા-પાલિકાના પ્રમુખો, મંત્રીઓ, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખો, મેયરો પણ હાજર છે.
આ પણ વાંચો: ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ
આ પણ વાંચો: સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સજા
આ પણ વાંચો: હું સુસાઇડ કરું છું…મારા પ્રોફેસર મારી સાથે માનસિક સતામણી કરે છે અને….
આ પણ વાંચો: બનાસકાંઠા, સુરત, તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી