બોર્ડર/ પાકિસ્તાને અફઘાનિસ્તાનની સરહદ પર સેના તૈનાત કરી

પાકિસ્તાની સેનાના સૂત્રો કહે છે કે હાલની પરિસ્થિતિમાં સૌથી મોટો પડકાર શરણાર્થીઓ, ઘૂસણખોરો, અફઘાન  સૈનિકો અને તાલિબાન આતંકવાદીઓને પાકિસ્તાનમાં પ્રવેશતા અટકાવવાનો છે

World

અફઘાનિસ્તાન અંગે પાકિસ્તાનના ઇરાદાઓ ખુલ્લા પડી ગયા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકવાદીઓ સાથે સતત વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાને આ પાડોશી દેશની સરહદની આગળની ચોકી પર સૈન્ય જવાનોને તૈનાત કર્યા છે. પાકિસ્તાનના અહેવાલ અનુસાર  ગૃહમંત્રી શેખ રશીદ અહેમદેજણાવ્યું છે કે અફઘાનિસ્તાનને અડીને આવેલા આગળની સ્થિતિ પર સૈન્યના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

શેખ રશીદ અહેમદે કહ્યું કે, એફસી બલુચિસ્તાન અને ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત અન્ય લશ્કરોને સરહદ પેટ્રોલીંગથી પરત બોલાવી  લેવામાં આવ્યા છે. હવે સૈન્યના જવાનો સરહદ પર તૈનાત છે. સૈન્ય તૈનાત કરવાનો આ નિર્ણય સરહદ પરના તણાવને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તાજેતરમાં જ પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઇફ્તિખારે કહ્યું હતું કે સરહદ પર સૈન્ય તૈનાત કરવાથી અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી લડાઇને પાકિસ્તાન આવતી અટકાવવામાં મદદ મળશે.

પાકિસ્તાની સેનાના સૂત્રો કહે છે કે હાલની પરિસ્થિતિમાં સૌથી મોટો પડકાર શરણાર્થીઓ, ઘૂસણખોરો, અફઘાન  સૈનિકો અને તાલિબાન આતંકવાદીઓને પાકિસ્તાનમાં પ્રવેશતા અટકાવાનો છે. એક અધિકારીએ કહ્યું કે એક હજારથી વધુ અફઘાન સૈનિકો તાજિકિસ્તાન ભાગી ગયા છે. આવી સ્થિતિમાં જો અફઘાન સૈનિકો ભાગી જાય છે અને પાકિસ્તાનની સરહદે આવે છે, તો તાલિબાન આતંકીઓ પણ તેનો પીછો કરશે, જે પાકિસ્તાની ક્ષેત્રમાં લડાઇ ફેલાવે તેવી સંભાવના છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 2,640 કિલોમીટર લાંબી સરહદ છે, જેમાંથી પાકિસ્તાને 90 ટકા પર સુરક્ષા દિવાલ બનાવી છે. તે જ સમયે, સુરક્ષા દળો અને તાલિબાન વચ્ચેનો સંઘર્ષ અફઘાનિસ્તાનમાં તીવ્ર બન્યો છે. અફઘાન વાયુસેનાએ બંને પ્રાંતમાં આતંકીઓના અનેક સ્થળોને ટાર્ગેટ કર્યા છે.. આમાં 33 આતંકવાદીઓ માર્યા ગયા અને 17 ઘાયલ થયા. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે શનિવારે હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે.