લાંબી રાહ અને કવાયત બાદ આખરે પાકિસ્તાનના નવા આર્મી ચીફની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક મીડિયા અનુસાર લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીરને નવા આર્મી ચીફ બનાવવામાં આવ્યા છે. વર્તમાન આર્મી ચીફ કમર જાવેદ બાજવા 29 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. ગુરુવારે સવારે નવા આર્મી ચીફની જાહેરાત કરતી વખતે, સરકારે કહ્યું કે લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર જનરલ કમર જાવેદ બાજવાના સ્થાને પાકિસ્તાનના આગામી આર્મી ચીફ હશે.
લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર જનરલ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના વડા પણ રહી ચૂક્યા છે. તેઓ 25 ઓક્ટોબર 2018 થી 16 જૂન 2019 સુધી ISI ના ડાયરેક્ટર જનરલ હતા. તેઓ ત્રણ સ્ટાર રેન્કના જનરલ છે. હાલમાં તેઓ પાક આર્મીમાં ક્વાર્ટર માસ્ટર જનરલ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
નવા આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ મુનીરને સપ્ટેમ્બર 2018માં ટુ-સ્ટાર જનરલના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી, પરંતુ બે મહિના પછી તેમણે ચાર્જ સંભાળ્યો હતો. લેફ્ટનન્ટ જનરલ તરીકેનો તેમનો ચાર વર્ષનો કાર્યકાળ 27 નવેમ્બરે સમાપ્ત થાય છે, તે જ સમયે ચીફ ઑફ સ્ટાફ કમિટી જનરલ નદીમ રઝા અને ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ બાજવા નિવૃત્ત થયા હતા.
પ્રસ્તાવ મંજૂરી માટે રાષ્ટ્રપતિ અલ્વી પાસે જશે
પાકિસ્તાનના સૂચના પ્રધાન મરિયમ ઔરંગઝેબે કહ્યું કે વડા પ્રધાન શાહબાઝ શરીફે તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરીને લેફ્ટનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝાને જોઈન્ટ ચીફ ઑફ સ્ટાફ કમિટી (CJCSC)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે કહ્યું કે સરકારની આ નિમણૂકને લાગુ કરવા માટે હવે તેને રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને મોકલવામાં આવશે.
અગાઉ, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે બુધવારે કહ્યું હતું કે વડા પ્રધાન શહેબાઝ શરીફ શુક્રવારે તુર્કીની મુલાકાતે જઈ રહ્યા છે અને તેમને આશા છે કે તે પહેલા નવા આર્મી ચીફની નિમણૂક થઈ જશે. આસિફના નિવેદનના કલાકો પહેલા વડાપ્રધાન કાર્યાલયે કહ્યું હતું કે તેને સેના પ્રમુખ પદ માટે છ ટોચના જનરલોના નામ મળ્યા છે.
પીએમ શરીફે વિદેશ પ્રવાસ પહેલા જાહેરાત કરી હતી
આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા આવતા અઠવાડિયે 29 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. જનરલ બાજવા (61)ને 2016માં ત્રણ વર્ષ માટે આર્મી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 2019માં તેમને ત્રણ વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. મંત્રી આસિફે કહ્યું, “વડાપ્રધાન શુક્રવારે સાંજે રવાના થશે. તેથી તે (નવા સૈન્ય વડાની નિમણૂક) તે પહેલા થશે.”સરકાર દ્વારા નામની જાહેરાત કરવામાં આવે તે પહેલાં, સેનાએ પણ નિમણૂકો માટે છ ટોચના લેફ્ટનન્ટ જનરલોના નામ મોકલવાની પુષ્ટિ કરી હતી, પરંતુ તે નામો વિશે માહિતી આપી ન હતી.
