Porbandar-Chowpati/ પોરબંદરમાં જીમ સામે ચોપાટીનો હિસ્સો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે: કોંગ્રેસ

રાજ્યમાં ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાના લીધે પોરબંદરની રમણીય ચોપાટીને ખૂબ જ નુકસાન થયું છે, તેમા જિમની સામે સમુદ્રના તોફાની મોજા ચોપાટીના અમુક હિસ્સાને તાણી ગયા હોવાથી એકમાત્ર પથ્થરની ઢગલી ઉપર ચોપાટીનો 200 ચોરસ ફૂટ હિસ્સો પડવાના વાંકે લટકી રહ્યો છે.

Top Stories Gujarat Rajkot

પોરબંદરઃ રાજ્યમાં ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાના લીધે પોરબંદરની રમણીય ચોપાટીને ખૂબ જ નુકસાન થયું છે, તેમા જિમની સામે સમુદ્રના તોફાની મોજા ચોપાટીના અમુક હિસ્સાને તાણી ગયા હોવાથી એકમાત્ર પથ્થરની ઢગલી ઉપર ચોપાટીનો 200 ચોરસ ફૂટ હિસ્સો પડવાના વાંકે લટકી રહ્યો છે. તંત્ર તાત્કાલિક સમારકામ કરાવે તેવી માંગણી પોરબંદર કોંગ્રેસે કરી છે. જો આ સમારકામ નહીં થાય તો મોટી જાનહાનિ થાય તેવી સંભાવના પણ કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

પ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ સચિવ અને પોરબંદર કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરમાં પાંચ મહિના પહેલા આવેલા બિપોરજોય વાવાઝોડાના લીધે સમુદ્રના લોઢ-લોઢ જેવડા મોજા ઉછળ્યા હતા. તેના લીધે જિમ સામેની ચોપાટીનો કેટલોક હિસ્સો અને પાળીને સમુદ્ર તાણી ગયો હતો. દરિયાના તોફાની મોજાને લીધે આ ૨૦૦ ચોરસ ફુટ વિસ્તારનો કાટમાળ સમુદ્રમાં તણાઈ ગયો હતો,પરંતુ ત્યારબાદ તંત્રએ આ વિસ્તારનું સમારકામ કર્યું નથી જેના કારણે ગંભીર અકસ્માતની શક્યતા જણાઈ રહી છે.

રામદેવભાઈ મોઢવાડિયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે,બહારથી આવતા પ્રવાસીઓ સહિત સ્થાનિક શહેરીજનોને પણ ખબર નથી હોતી કે તેઓ જ્યાં ઉભા છે,તે વિસ્તાર જોખમી છે અને તેની નીચેનો કાટમાળ તણાઈ ગયો હોવાથી ગમે ત્યારે એ હિસ્સો પડશે તો પંદર ફુટ નીચે ખાબકશે તેવી પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે.

પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા રજુઆત કરવામાં આવી છે કે,સંભવિત અકસ્માતને અટકાવવા માટે પોરબંદરના વહીવટી તંત્રએ આ વિસ્તારમાં જ્યાં સુધી સમારકામ હાથ ધરવામાં આવે નહી ત્યાં સુધી ફેન્સીંગ લગાવીને પ્રવાસીઓની અવરજવર ઉપર પ્રતિબંધ લગાવવો જરૂરી બન્યો છે, કારણ કે જો આ બાબતે અત્યારે કાર્યવાહી નહી કરવામાં આવે તો સ્પષ્ટપણે ગંભીર અકસ્માત થાય તેવી શક્યતા જણાઈ રહી છે.