Patan News: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા અઘાર ગામે અવરજવરના સામાન્ય પ્રશ્નને લઈને બે જૂથો સામસામે આવી ગયા હતા. સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા બંને પક્ષો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. આ અથડામણમાં તલવારો અને અન્ય ધારદાર હથિયારો વડે હુમલો કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Patanના અઘાર ગામમાં તણાવ
મળતી માહિતી મુજબ, Patanના અઘાર ગામે રસ્તા પર અવરજવર કરવા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે વિવાદ થયો હતો. વિવાદ એટલો વકર્યો કે બંને પક્ષના લોકો લાકડીઓ અને તલવારો જેવા હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા. આ હિંસક અથડામણમાં બંને પક્ષે અનેક લોકો લોહીલુહાણ થયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે 14 લોકો સામે નોંધ્યો ગુનો
ઘટનાની જાણ થતા જ સરસ્વતી પોલીસનો કાફલો અઘાર ગામે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ મામલે બંને પક્ષની ફરિયાદોના આધારે કુલ 14 વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગામમાં ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
