ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને તેમના પ્રધાનમંડળની આખી નવી ટીમ કામે લાગી ગઈ છે. હવે નવા પ્રધાનમંડળની વિશિષ્ટતા એ છે કે મહત્ત્વના નિર્ણયો હવે ગાંધીનગરના સચિવાલયમાં નહિ પણ કમલમમાં લેવાય તેવો સંકેત ઘણા રાજકીય વર્તુળોએ વ્યક્ત કર્યો છે. આનું કારણ એ છે કે નવા પ્રધાનમંડળના તમામ સભ્યો પોતાનો ચાર્જ લેવા જતાં પહેલા ભાજપના કમલમ કાર્યાલય ખાતે ગયા હતા અને ત્યાં જઈ પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના આશીર્વાદ લીધા હતા. આ સૂચક હિલચાલ છે. ભૂતકાળમાં ભાજપની મોદી બાદ બે સરકારો આવી છે તે વખતે આવું ક્યારેય થયું નથી. નરેન્દ્ર મોદી જ્યાં સુધી ગુજરાતમાં હતાં ત્યાં સુધી તો બધા પ્રધાનો તેમની અનુકૂળતા પ્રમાણે ચાલતા હતા. સરકાર સર્વોપરી હતી. મોદી સર્વોપરી હતા પરંતુ મોદી જેવા દિલ્હી ગયા કે તરત જ સીનેરીયો બદલાયો. મોટાભાગના નિર્ણયો દિલ્હીના એટલે કે મોદીના સંકેત મુજબ કે પહેલાના રાષ્ટ્રીય અધ્યક્ષ કે હાલના ગૃહમંત્રી અમિતભાઈ શાહની સૂચના મૂજબ લેવાતા હતાં. સી.આર. પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે તેમણે એવી સૂચના આપી હતી ખરી કે પ્રધાનોએ કમલમમાં આવીને કાર્યકરોના પ્રશ્નો સાંભળવા. રૂપાણી સરકારના કેટલાક પ્રધાનોએ થોડા દિવસ આ નિયમ પાળ્યો પણ ખરો. પરંતુ ત્યારબાદ બધું ભૂલાઈ ગયું અને ભાજપના કેટલાક સૂત્રો કહે છે તે પ્રમાણે સંગઠન અને સરકાર વચ્ચે જેવો જાેઈએ તેવો તાલમેલ નહોતો તેના કારણે જ કદાચ વિજયભાઈ રૂપાણી જેવા સંવેદનશીલ અને ઘણા રાજકીય વિવેચકો જેને વ્યવહારૂ કહે છે તેવા મુખ્યમંત્રીનો ભોગ લેવાઈ ગયો હોય તેવું બની શકે છે.

હવે તો આમ ભુપેન્દ્રભાઈ પટેલનું શાસન છે પરંતુ પ્રધાનમંડળની જે રીતે રચના થઈ તેમાં પટેલ પાવર કરતાં પાટીલ પાવર ચાલ્યો છે. પ્રધાનમંડળની સમીક્ષા કરતાં ઘણા રાજકીય વિશ્લેષકોએ લખ્યું છે કે અત્યાર સુધીના કોઈ પ્રધાનમંડળમાં દક્ષિણ ગુજરાતનો આવો દબદબો ક્યારેય નહોતો. ત્રણ કેબીનેટ અને ૬ રાજ્યકક્ષાના પ્રધાનો સહિત નવ પ્રધાનો છે. સુરતના જ ત્રણ પ્રધાનો છે જેમાં એક કેબીનેટ અને બે રાજ્યકક્ષાના છે. નાણા જેવું મહત્ત્વનું ખાતું પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ સંભાળે છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના સુરત મહાપાલિકામાં ૨૭ બેઠકો સાથે ગુજરાતમાં એન્ટ્રી મારી અને ત્યારબાદ ગુજરાતમાં તેનો પગપેસારો વધ્યો છે તેથી ‘આપ’નો આ દરવાજાે બંધ કરવા માટે જ સુરતને કેન્દ્રમાં ૩૦ વર્ષ બાદ પ્રધાનપદ અપાયું છે. તો રાજ્યમાં સુરત અને દક્ષિણ ગુજરાતના નવ પ્રધાનો છે. સૌરાષ્ટ્રના આઠ પ્રધાનો છે. તેમાં ત્રણ કેબીનેટ કક્ષાના છે પરંતુ પસંદગી સિનિયોરીટી નહિ પણ સીઆર પાટીલની દોરવણી મુજબ થઈ છે.

પાટનગરના રાજકીય વર્તૂળોમાં જે ચર્ચા છે તે પ્રમાણે મુખ્યમંત્રીના શપથવિધી બાદ અમિત શાહ સાથે ભાજપના મોવડીઓની જે બેઠક યોજાઈ તેમાં સી.આર. પાટીલ અને અમિત શાહે ગુપ્ત બેઠક કરી યાદી તૈયાર કરી હતી. આ યાદી લીક થતાં ઉહાપોહ થતાં એક દિવસ શપથવિધી પાછી ઠેલાઈ. જાે કે અંતે અત્યાર પુરતું તો ઘીના ઠામમાં ઘી રેડાઈ ગયું. જાે કે આંતરીક કચવાટ છે પણ શિસ્તનું તાળું બધાને બોલતા રોકે છે. બહુ દાઝેલા અને બીજી ભાષામાં ત્રણ વખતથી જેના મુખમાંથી મુખ્યમંત્રી પદનો કોળિયો છીનવાઈ જાય છે તે નીતિન પટેલ પણ શાંતિથી બેસી ગયા છે. અમુક વિધાનો કરે છે પણ તેમાં ભૂતકાળની વાત હોય છે. હવે પછી શું તે અંગે મૌન સેવે છે.

દક્ષિણ ગુજરાતનો દબદબો આટલો બધો ભૂતકાળમાં ક્યારેય નહોતો. દક્ષિણના બે મુખ્યમંત્રીઓ હિતેન્દ્ર દેસાઈ અને અમરસિંહ ચૌધરી હતા અને ઝીણાભાઈ દરજી જેવા આદિવાસી પટ્ટીને કોંગ્રેસની સાથે રાખનારા પ્રદેશ કોંગ્રેસ પ્રમખ હતાં ત્યારેય નહોતું. જાે કે જે કામ ભાજપ કે કોંગ્રેસના અગાઉના પ્રદેશ પ્રમુખો ન કરી શક્યા તે કામ સી.આર.પાટીલે કરી બતાવ્યું છે. ભલે દક્ષિણ ગુજરાતને અપાયેલું વધુ પડતું મહત્ત્વ કદાચ આમ આદમી પાર્ટીની ત્યાં વધતી તાકાત હશે પણ જે હોય તે પણ દક્ષિણ ગુજરાત છેલ્લી ત્રણ ચૂંટણીથી ભાજપનો ગઢ છે ને વળતર તેને આ વખતે મળ્યું છે.

૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપે દક્ષિણ ગુજરાતમાં ૩૨ અને તેમાંય સુરતની લગભગ બધી બેઠકો જીતી તેના કારણે ૨૦૧૭માં ભાજપની સત્તા જળવાઈ. તો બીજી બાજું સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી સહિતના તમામ જિલ્લામાં કોંગ્રેસે નોંધપાત્ર દેખાવ કર્યો. બેઠકો પણ જીતી. પરંતુ ભાવનગરની ૮માંથી ૮ બેઠકો જીતી ભાજપે સત્તા ટકાવવામાં સાથ આપ્યો અને તેના ફળસ્વરૂપે ભાવનગરને એક કેબીનેટ અને એક રાજ્યકક્ષાનું પ્રધાનપદ મળ્યું છે. જ્યારે રાજકોટની ચાર બેઠક મળી પણ તાલુકાઓમાં જેતપુર અને ગોંડલને બાદ કરતાં બાકીની બેઠકો કોંગ્રેસને મળી હતી. આમ છતાં આ વખતે રાજકોટનું પ્રતિનિધિત્વ ઘટ્યું છે. મોરબી જાળવવા બ્રીજેશ મેરજા ભાજપ કોંગ્રેસ અને ફરી ભાજપમાં વાપસીની રમત રમ્યા હોવા છતાં તેને રાજ્ય કક્ષાનું પ્રધાનપદ અપાયું છે. મોરબીના વાકાનેર અને ટંકારાના ધારાસભ્ય કોંગ્રેસના જ છે. ઉત્તર ગુજરાતના ત્રણ પ્રધાનો છે. જાે કે પહેલેથી જ આ વિસ્તારના પ્રધાનો ઓછા જ હોય છે. નીતિન પટેલના બદલે ઋષીકેશ પટેલને સ્થાન મળ્યું છે તે માત્ર સંતોષ લઈ શકાય. બાકી ઋષીકેશ પટેલને નીતિન પટેલના સમકક્ષ નેતા ક્યારેય ન ગણી શકાય.

રૂપાણી પ્રધાનમંડળમાં પણ કોંગ્રેસમાંથી આવેલા સાત જેટલા આગેવાનો પ્રધાનપદે હતાં. આજે પણ જીતુભાઈ ચૌધરી, રાઘવજી પટેલ અને બ્રીજેશ મેરજા સહિત ત્રણ તો છે જ તેમાંય ટૂંકમાં પટેલ પ્રધાનમંડળ પણ કોંગ્રેસમુક્ત નથી જ તેવું કહી શકાય. ભલે મોદીપ્રધાનમંડળ સમયથી પ્રધાનમંડળમાં સ્થાન પામેલા પાટીદાર નેતા જયેશ રાદડીયાનું તેમજ કોળી સમાજના મોભી કુંવરજીભાઈ બાવળીયા અને આહિર સમાજના અગ્રણી જવાહર ચાવડા કે કચ્છના જૂના જાેગી વાસણભાઈ આહીરનું પત્તુું કપાયું છે તે ઘણું સૂચવે છે. પ્રથમ ત્રણ તો જૂના કોંગ્રેસી છે પરંતુ ચોથા એવા વાસણભાઈ તો વર્ષોથી ભાજપના જ જૂના જાેગી છે અને આહિર સમાજના તો ટોચના આગેવાન છે જ પણ સાથોસાથ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે પણ ગાઢ રીતે સંકળાયેલા છે.

ટૂંકમાં નવી ટીમના બધા સભ્યો ચાર્જ લેતા પહેલા સંગઠનને સલામ મારવા ગયા તેનો સીધો સાદો અર્થ કે ભાજપમાં સંગઠન એ જ સર્વોચ્ચ છે અને સંગઠનના વડા સુપરબોસ છે અને બીજા અર્થમાં એટલે કે ઘણા વિવેચકોએ કહ્યું તે પ્રમાણે સંગઠનના વડા એટલે કે પ્રદેશ ભાજપ પ્રમુખ સુપર સીએમ છે. સરકાર પર સંગઠનનો પ્રભાવ છે તે પહેલા દિવસથી જ નક્કી થઈ ગયું છે. હવે પાટીલ પાવર વધુ ચાલવાનો છે. ભલે મુખ્યમંત્રી પાટીદાર હોય તે પણ હકિકત છે. હવે સરકાર કરતાં સંગઠન સર્વોપરી છે તે સ્વીકારવું પડશે.
Tips / આ સ્ક્રીન ગાર્ડનો ઉપયોગ ભૂલથી પણ નહિ કરતાં, ફોનને થઇ શકે છે નુકસાન
ચેન્નાઈ / ફોર્ડના ચેન્નાઈ પ્લાન્ટમાં ફરી શરૂ થશે ઈકોસ્પોર્ટનું ઉત્પાદન, જાણો શું છે કારણ
Technology / ભારતમાં આઇફોન આટલા મોંઘા કેમ વેચાય છે ?
Technology / ગૂગલ પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, આ નામથી બજારમાં આવશે
