PCB અને BCCI વચ્ચે ભારે વિવાદ હાલ ચાલી રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2022 બાદ હવે ODI વર્લ્ડ કપ 2023નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે આ દિવસોમાં શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ હાલમાં જ ODI વર્લ્ડ કપ માટે ભારત નહીં આવવાની ધમકી આપી હતી, હવે ભારતના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
અનુરાગ ઠાકુરે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે ભારત વિશ્વ ક્રિકેટમાં એક મોટી તાકાત છે. વર્લ્ડકપ માટે ભારત આવનારી પાકિસ્તાની ટીમનો બહિષ્કાર કરવાની રમીઝ રાજાની ધમકી પર રમત મંત્રીએ કહ્યું કે તમે યોગ્ય સમયની રાહ જુઓ, ભારત ક્રિકેટમાં વિશ્વ શક્તિ છે અને તેને કોઈ અવગણી શકે નહીં.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું, જેના પછી ઘણી ચર્ચા થઈ હતી. રમીઝ રાજાએ કહ્યું હતું કે જો ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો પાકિસ્તાનની ટીમ વનડે વર્લ્ડ કપ માટે ભારત નહીં જાય. એટલું જ નહીં, રમીઝ રાજાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે જો પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં ભાગ નહીં લે તો વર્લ્ડ કપ કોણ જોશે.
નોંધનીય છે કે ICCના શેડ્યૂલ મુજબ વર્ષ 2023 એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો છે. પરંતુ BCCI સેક્રેટરી જય શાહે થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય કારણ કે ત્યાં સુરક્ષાની ઘણી સમસ્યાઓ છે. આ પછી બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું.
રમીઝ રાજાએ અગાઉ પણ નિવેદન આપ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં આવે તો તે એશિયા કપ અને વર્લ્ડ કપનો બહિષ્કાર કરશે. પીસીબીએ પણ આઈસીસી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે, વિશ્વ ક્રિકેટમાં બીસીસીઆઈની તાકાત અને સુરક્ષાના તર્ક સામે પીસીબી માટે જીત મેળવવી મુશ્કેલ છે.
