યુપીનાં મુખ્યમંત્રી અને ભાજપનાં સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથે શનિવારે દિલ્હીનાં નરેલામાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. રેલીમાં યોગી આદિત્યનાથે દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. યોગી આદિત્યનાથે શનિવારે આરોપ લગાવ્યો હતો કે, અરવિંદ કેજરીવાલ સરકાર શાહીન બાગમાં વિરોધીઓને ‘બિરયાની’ વહેંચી રહી છે. કાશ્મીરમાં આતંકવાદીઓને સમર્થન આપનારા લોકો શાહીન બાગમાં પ્રદર્શન કરી રહ્યા છે અને ‘આઝાદી’ નાં નારા લગાવી રહ્યા છે.
ઉત્તર દિલ્હીનાં રોહિણીમાં એક ચૂંટણી રેલી દરમિયાન યોગીએ દિલ્હીની આપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, દિલ્હીનાં શાહીન બાગમાં બેઠેલા લોકોએ યુપીમાં પણ એક દિવસ સ્થિતિ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. અમે તેમની પાસેથી એક એક પાઇ એકત્રિત કરી. પરંતુ દિલ્હીની કેજરીવાલ સરકાર તેમને બિરયાની ખવડાવી રહી છે. અરવિંદ કેજરીવાલ પર નિશાનો સાધતા યોગી આદિત્યનાથે કહ્યું કે, કેજરીવાલ જેવા નમૂનાઓએ દિલ્હીની હાલત ખરાબ કરી દીધી છે. યોગી આદિત્યનાથે કહ્યું કે, કેજરીવાલ દિલ્હીનાં પ્રદૂષણ અને યમુનાની કથળેલી સ્થિતિ માટે જવાબદાર છે.
તેમણે કહ્યું કે, અહીં દિલ્હીનાં વિકાસ માટે નાણાં ખર્ચવામાં આવતા નથી, દેશનાં વિરોધમાં દેખાવો કરવામાં પૈસા ખર્ચ કરવામાં આવે છે. દિલ્હીમાં પ્રદર્શન અને પાકિસ્તાનનાં મંત્રીનું કેજરીવાલને સમર્થન એક કડીથી જોડાયેલ છે. જો ભારત વિશ્વમાં મહાસત્તા બને છે, તો પાકિસ્તાનનું નામ વિશ્વનાં નકશા પરથી દૂર થઈ જશે. યોગીએ કહ્યું કે દિલ્હીમાં એવી સરકારની રચના થવી જોઈએ જે અહીંના વિકાસ સાથે રાષ્ટ્રનું સ્વાભિમાન વધારી શકે. મોદીજીનાં નેતૃત્વમાં બીજેપીનો એક કાર્યકર્તા દિલ્હીને આગળ વધારશે.
અગાઉ, પૂર્વ દિલ્હીનાં કરાવલ નગર ચોકમાં એક અન્ય રેલીને સંબોધન કરતા ભાજપનાં નેતાએ સુધારેલા નાગરિકત્વ અધિનિયમ (સીએએ) નો વિરોધ કરી રહેલા પ્રદર્શનીઓને નિશાનો બનાવતા કહ્યું હતું કે તેમના (વિરોધ કરનારા) પૂર્વજોએ ભારતનું વિભાજન કર્યું છે, તેથી તેઓને આ ઉભરતા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ થી સમસ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, દિલ્હીનાં જુદા જુદા ભાગોમાં આ પ્રદર્શન સીએએ વિશે નથી, પણ તે માટે થઇ રહ્યુ છે કે તેમને વિશ્વની મોટી શક્તિ તરીકે ઉભરી રહેલા ભારતથી સમસ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
