ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, આ સિલસિલો બંધ થવાનો નામ નથી લઇ રહ્યો. કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ છે. આજે કોંગ્રેસે 37 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી તેમાં પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલને ટિકિટ ન આપતા તેઓ નારાજ થયા હતા અને તેમની જગા પર પ્રકાશ પરમારને ટિકિટ ફાળવવામાં આવી હતી તેથી તેઓ નારાજ થયા છે. જેના લીધે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે,કઇ પાર્ટી જોઇન્ટ કરશે તે હજુ જાણવા મળ્યું નથી. પેટલાદ કોંગ્રેસની સુરક્ષિત બેઠકમાંથી એક ગણાય છે.
વિધાનસભા બેઠક પર 2007 અને 2017માં નિરંજન પટેલ ચૂંટાઈ આવ્યા હતા. એ પહેલા 2002માં આ બેઠક બીજેપીના ફાળે ગઈ હતી અને બીજેપીમાંથી ચંદ્રકાંત પટેલ ચૂંટાયા હતા જ્યારે 1990થી 1998 દરમિયાન સતત ત્રણ ટર્મ નિરંજન પટેલ આ બેઠક પરથી ચૂંટાયા હતા. જેને લઈને આ બેઠક કોંગ્રેસનો ગઢ છે અને ખાસ કરીને નિરંજન પટેલનું વર્ચસ્વ જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે બીજા તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની આવતીકાલે છેલ્લી તારીખ છે, રાજ્યમાં એક અને પાંચ ડિસેમ્બરે મતદાન થવાનો છે, એવામાં હાલ તમામ પાર્ટીઓ અસંતુષ્ટોથી ઘેરાયેલી છે અને પ્રચાર અર્થે કામે લાગેલી છએ.