Sports News : ક્રિકેટનું સૌથી જૂનું ફોર્મેટ એટલે કે ટેસ્ટ ક્રિકેટ 150 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. ટેસ્ટ ક્રિકેટ 2027 માં તેના 150 વર્ષ પૂર્ણ કરશે. આ ખાસ પ્રસંગે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે એક ટેસ્ટ મેચ રમાશે. આ મેચ ડે-નાઈટ ટેસ્ટ હશે, જેમાં યજમાન ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ એકબીજા સામે ટકરાશે. આ મેચ વર્ષ 2027 માં 11 થી 15 માર્ચ દરમિયાન રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ માહિતી આપી હતી. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 13 પિંક બોલ ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી તેણે 12 મેચ જીતી છે. આમાંથી 8 મેચ એડિલેડમાં રમાઈ છે.
પ્રથમ ટેસ્ટ 1877માં રમાઈ હતી
148 વર્ષ પહેલાં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ હતી. 15 થી 19 માર્ચ 1877 દરમિયાન રમાયેલી આ પહેલી ટેસ્ટ મેચમાં, ડેવ ગ્રેગરીની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 45 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ટેસ્ટ જીતમાં ઓપનર ચાર્લ્સ બેનરમેને મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે 165 રનની ઇનિંગ રમી હતી. તમને જણાવી દઈએ કે, 1977માં ટેસ્ટ ક્રિકેટના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે MCG ખાતે એક ટેસ્ટ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રસપ્રદ વાત એ હતી કે આ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 45 રનથી હરાવ્યું હતું. ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમની કમાન ગ્રેગ ચેપલના હાથમાં હતી.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ ટોડ ગ્રીનબર્ગે જણાવ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટની 150મી વર્ષગાંઠ નિમિત્તે MCG ખાતે એક મોટી મેચનું આયોજન કરવામાં આવશે. તે ફ્લડલાઇટ્સ હેઠળ યોજાશે જે રમતના સમૃદ્ધ વારસા અને ટેસ્ટ ક્રિકેટના આધુનિક ઉત્ક્રાંતિ બંનેની ઉજવણી કરવાની એક અદ્ભુત રીત હશે. તેને કહ્યું કે આનાથી મહત્તમ સંખ્યામાં ચાહકોની હાજરી સુનિશ્ચિત કરવામાં પણ મદદ મળશે.
ઓસ્ટ્રેલિયા માટે 2025નું વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ
આ વર્ષે નવેમ્બરમાં ઈંગ્લેન્ડ સામે રમાનાર 2025-26 એશિઝ શ્રેણીને લઈને ઓસ્ટ્રેલિયા ખૂબ જ ઉત્સાહિત છે. આ વખતે ઓસ્ટ્રેલિયા એશિઝનું આયોજન કરશે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે બંને ટીમોમાંથી કઈ ટીમ જીતે છે. આ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ આ વર્ષે જૂનમાં લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની અંતિમ મેચ રમશે. આ ટાઇટલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. ઓસ્ટ્રેલિયન ટીમ બીજી વખત WTC ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો: ભારતીય કુસ્તીબાજો માટે સારા સમાચાર! રમતગમત મંત્રાલયે WFI પરનો પ્રતિબંધ હટાવ્યો
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને પરત આવી ટીમ ઈન્ડિયા, આ રીતે થયું રોહિત બ્રિગેડનું ભવ્ય સ્વાગત
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડવામાં આ 3 ખેલાડીઓનો જોવા મળ્યો સિંહફાળો