ભારતમાં દર વર્ષે મોટી માત્રામાં પ્લાસ્ટિકનો કચરો નીકળે છે. આ કચરો લાખો ટનમાં હોવા છતાં તેનો પુનઃઉપયોગ નથી થતો. હમણાં જ થયેલા સંશોધન પ્રમાણે કન્સ્ટ્રકશન કામમાં રેતીને બદલે થોડા પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકાય છે.

બ્રિટનમાં યુનિવર્સીટી ઓફ બાથ અને ભારતમાં ગોવા એન્જીન્યરીંગ કોલેજની સંયુક્ત શોધમાં તેમણે જણાવ્યું છે કે ૧૦ ટકા રેતીની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી ભારતના રસ્તા પર પડેલા પ્લાસ્ટિકના કચરાને ઓછો કરી શકાય છે. એટલું જ નહી પરંતુ આ રીતે ઉપયોગ કરવાથી ભારતમાં રેતીના અભાવની મૂંઝવણને પણ પહોચી શકાય છે.

આ શોધના મુખ્યકર્તા ડો. જોનનું કહેવું છે કે સામાન્ય રીતે જયારે કોન્ક્રીટમાં પ્લાસ્ટિક જેવી માનવનિર્મિત વસ્તુની મિલાવટ કરવાથી તેની મજબૂતી ઓછી થઇ જાય છે. કારણ કે પ્લાસ્ટિક સિમેન્ટની જેમ જોડાઈ નથી શકતું, રેતી જોડાઈ શકે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે અમારા માટે મુખ્ય પરીક્ષા હતી કે મજબૂતીમાં કોઈ કમી ન આવવી જોઈએ. અમે આ લક્ષ્યને સારી રીતે હાસલ કર્યું છે.

કન્સ્ટ્રકશન મામલે કેટલાક ક્ષેત્રોમાં આ સામગ્રીથી કામ થઇ શકશે. આથી પ્લાસ્ટીકને રીસાયકલ નહી કરવું પડે અને રેતીની માંગને પણ પહોચી શકાશે.

પ્લાસ્ટીકના ઉપયોગ અંગેની આ શોધ ‘ કન્સ્ટ્રકશન એન્ડ બિલ્ડીંગ મટિરિયલ્સ ‘ માં પ્રકાશિત કરવામાં આવી છે. આ શોધમાં તેમણે વિવિધ જાતના પ્લાસ્ટિકનો અભ્યાસ કર્યો છે અને તેને કન્સ્ટ્રકશનમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તે બાબતના અભ્યાસને આવરી લેવામાં આવ્યો છે.
