પેટ્રોલ અને ડીઝલ, રાંધણગેસની કિંમતમાં વધાર્યા બાદ હવે આમ આદમીને રેલવેએ પણ ઝાટકો આપ્યો છે. રેલવેએ પ્લેટફોર્મ ટિકિટ અને લોકલ ટ્રેનના ભાડામાં વધારો કર્યો છે. જાણકારી અનુસાર રેલવેએ પ્લેટફોર્મ ટિકિટની કિંમતમાં ત્રણ ગણો વધારો કર્યો છે.
પહેલા એક પ્લેટફોર્મ ટિકિટ માટે 10 રૂપિયા ખર્ચવા પડતા હતા પરંતુ ત્રણ ગણી કિંમત વધાર્યા બાદ હવે 30 રૂપિયા આપવા પડશે. કોરોના કાળમાં લોકડાઉન બાદથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ થઈ ગયું હતું પરંતુ આજથી દિલ્હીના તમામ મુખ્ય રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ મળવાની શરૂ થઈ ગઈ છે.

મુંબઈમાં 10ની ટિકિટના 50 રૂપિયા
આ પહેલા મુંબઈમાં મધ્ય રેલવેએ કોવિડ 19ના પગલે સીઝનમાં પ્લેટફોર્મ પર વધારે ભીડ ભેગી ન થાય તેના માટે મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રના કેટલાક મહત્વપૂર્ણ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત વધારી દીધી છે. મધ્ય રેલવે (સીઆર)ના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવજી સુતારે કહ્યું હતું કે, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર અને લોકમાન્ય તિલક ટર્મિનસ તથા નજીકના ઠાણે, કલ્યાણ, પનવેલ અને ભિવંડીમાં પ્લેટફોર્મ ટિકિટ 10 રૂપિયાને બદલે 50 રૂપિયા કરવામાં આવ્યા હતા. નવા દર મુંબઈમાં એક માર્ચથી જ લાગુ થઈ ગયા હતા જે 15 જૂન સુધી લાગુ રહેશે.
