Gujarat News: કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પીએમ કિસાન સમ્માન નિધિ યોજના (PM KISAN)હેઠળ ગુજરાતના 2.90 લાખ ખેડૂતો 2,000 રૂપિયાના હપ્તાથી વંચિત રહ્યા છે. તેનું મુખ્ય કારણ તેમના બેંક ખાતાઓ આધાર સાથે જોડાયેલા ન હોવું છે. સંસદમાં કેન્દ્ર સરકારે આપેલી માહિતી મુજબ, દેશભરમાં આવા લગભગ 30.18 લાખ ખેડૂતો છે, જેમને આધાર-ખાતા લિંક પ્રક્રિયા અધૂરી હોવાને કારણે સહાય મળી શકી નથી.
શું છે પીએમ કિસાન (PM KISAN)યોજના?
પીએમ કિસાન (PM KISAN)યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોને દર ત્રણ મહિને 2,000 રૂપિયાનો હપ્તો સીધો તેમના આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ રીતે એક વર્ષમાં કુલ 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ રકમ સીધી ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) પદ્ધતિથી જમા થાય છે.
સરકારનો સ્પષ્ટ જવાબ છે કે જેમના ખાતા આધાર સાથે જોડાયેલા નથી, તેઓ પ્રક્રિયા પૂર્ણ કરશે ત્યારે જ હપ્તાની રકમ જમા કરવામાં આવશે.
દેશભરમાં કેટલા ખેડૂત વંચિત?
સંસદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ, દેશમાં કુલ 30.18 લાખ ખેડૂતો આધાર-બેંક લિંક ન હોવાને કારણે હપ્તાથી વંચિત છે. તેમાં ઉત્તર પ્રદેશ 10.44 લાખ ખેડૂતો સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ગુજરાત 2.90 લાખ ખેડૂતો સાથે બીજા સ્થાને છે.
રાજ્ય પ્રમાણે આંકડા નીચે મુજબ છે:
ઉત્તર પ્રદેશ – 10.44 લાખ
ગુજરાત – 2.90 લાખ
રાજસ્થાન – 2.13 લાખ
મધ્ય પ્રદેશ – 1.87 લાખ
મહારાષ્ટ્ર – 1.72 લાખ
દેશભરમાં કુલ – 30.18 લાખ
આ આંકડા દર્શાવે છે કે ટેકનિકલ કારણોસર મોટી સંખ્યામાં ખેડૂતોને સહાય મળતી અટકી ગઈ છે.
ગુજરાતમાં લાભાર્થીઓમાં ઘટાડો
ગુજરાતમાં પીએમ કિસાન (PM KISAN)યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યામાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘટાડો નોંધાયો છે. 2022માં યોજનાના 11મા હપ્તા દરમિયાન 58 લાખ ખેડૂતો લાભાર્થી હતા. પરંતુ 2025માં 19મા હપ્તા સુધી આ સંખ્યા ઘટીને 51.34 લાખ થઈ ગઈ છે.
નવેમ્બર 2025માં માત્ર 49.22 લાખ ખેડૂતોને સહાય મળી હતી. આ ઘટાડાનું એક મુખ્ય કારણ આધાર-બેંક લિંકની સમસ્યા હોવાનું માનવામાં આવે છે.

અત્યાર સુધી કેટલું વિતરણ?
પીએમ કિસાન (PM KISAN)યોજના શરૂ થયા પછી દેશભરના 11 કરોડથી વધુ ખેડૂતોને કુલ 21 હપ્તામાં 4.09 લાખ કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે. છેલ્લા હપ્તામાં 9.35 કરોડ ખેડૂતોને 18,000 કરોડ રૂપિયાનું વિતરણ થયું હતું.
ગુજરાતના ખેડૂતોને અત્યાર સુધી કુલ 18,000 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે, જે રાજ્ય માટે મહત્વપૂર્ણ આર્થિક સહાય ગણાય છે.
આધાર-ખાતા લિંક કેમ જરૂરી?
સરકારે DBT પ્રણાલી દ્વારા પારદર્શિતા અને ગેરરીતિઓ અટકાવવા આધાર-બેંક ખાતા જોડાણ ફરજિયાત બનાવ્યું છે. આથી લાભાર્થીની ઓળખ ચકાસાય છે અને સહાય સીધી યોગ્ય વ્યક્તિના ખાતામાં જમા થાય છે.
પરંતુ ગ્રામિણ વિસ્તારોમાં આધાર-ખાતા લિંક આધાર-ખાતા લિંક ની અછત, બેંકિંગ સુવિધાની મર્યાદા અને પ્રક્રિયા અંગે અજાણતા કારણે ઘણા ખેડૂતો હજુ લિંક પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી.
ખેડૂતોએ શું કરવું?
જેઓના ખાતા આધાર સાથે જોડાયેલા નથી, તેઓએ તાત્કાલિક પોતાની બેંક શાખા અથવા કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને આધાર-ખાતા લિંક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. એકવાર પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી બાકી રહેલા હપ્તા જમા થવાની શક્યતા રહે છે.
આ પણ વાંચો:PM Kisan યોજનાનો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે? જાણો
આ પણ વાંચો:PM કિસાન 21મો હપ્તાનો લાભ કોને મળશે, PM-KISAN પર જાણો….
આ પણ વાંચો:ભારતના 9 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, PM-કિસાન યોજનાનો 21મો હપ્તો જાહેર કરશે
