Surat News : સુરત જિલ્લાના કઠોર ગામ પાસે તાપી નદીમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન (Bullet Train) ના બ્રિજના કામ દરમિયાન હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. બ્રિજનું કામકાજ ચાલુ હતું તે દરમિયાન અચાનક લોખંડની ભારે પ્લેટ નીચે પડી જતાં નદીમાં માછીમારી કરી રહેલા પિતા અને પુત્રી તેના નીચે દબાઈ ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પિતા-પુત્રીના મોતના સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી અને પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બુલેટ ટ્રેન (Bullet Train) જેવા મહાપ્રોજેક્ટમાં સલામતીના નિયમોનું પાલન ન થવાથી આવી ઘટના બની હોવાની ચર્ચા સ્થાનિકોમાં ઉઠી રહી છે.
અકસ્માતની માહિતી મળતા જ સુરતની ઉત્તરાણ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. ભારે જહેમત બાદ બંનેના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે બુલેટ ટ્રેન (Bullet Train)પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની સંભવિત બેદરકારી અંગે તપાસ શરૂ કરી છે.

મૃતકોમાં મોહસીન ઇકબાલ શેખ (ઉ.વ. 35, રહે. બદાત ફળિયું, ગામ. કઠોર) અને હુમા મોહસીન શેખ (ઉ.વ. 9, રહે. બદાત ફળિયું, ગામ. કઠોર) નો સમાવેશ થાય છે.
આટલા મોટા અને સંવેદનશીલ પ્રોજેક્ટમાં કામ દરમિયાન સુરક્ષા સાધનો, નિયમો અને મજૂરો તેમજ આસપાસના લોકોની સલામતી માટે લેવાતી તકેદારીઓ પર હવે સવાલો ઊભા થયા છે. પોલીસે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરીને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે.
